નર્મદા જિલ્લાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા પકડી પાડવામાં આવી છે. આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આંગડિયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઈને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.
ઘટનાની વિગતો પ્રમાણે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું. એ માટે નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. એ માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે 1 લાખની લાંચ માંગી હતી. જ્યારે તલાટી વતી મહેશભાઇ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડિયા મારફત ગાંધીનગર ખાતે સ્વીકારી હતી. મહિલા તલાટીની લાંચ માગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એસીબીએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આહજોલિયાની ધરપકડ કરી હતી.
નીતે પટેલે લાંચની રકમ આંગડિયા મારફત ગાંધીનગર મોકલવા કહ્યું હતું. ગાંધીનગરમાં જ્ઞાન એકેડમી ચલાવતા મહેશના નામે આંગડિયું કરવા કહેવામાં આવ્યું હતું. લાંચની રકમના આ રીતે આંગડિયા પેઢી મારફત હવાલા પાડવામાં આવ્યાની તરકીબથી એસીબીની ટીમ પણ ચોંકી ઊઠી હતી.
સામાન્ય અરજી માટે એક લાખની રકમ માંગનાર તલાટી નીતા પટેલને ફરિયાદીએ રકમ ઓછી કરવા માટે વિનંતી કરી હતી. જોકે નીતા પટેલે જણાવ્યું હતું કે હું નોકરી શોખ ખાતર કરું છું અને 10 હજારથી ઓછી કિંમતના ચપ્પલ નથી પહેરતી. આ રીતે ફરિયાદીને દમ મારી લાંચની રકમ ઓછી કરી ન હતી.
ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયા એસીબીના હાથે લાંચ લેતાં ઝડપાયો છે, એટલે કે વિદ્યાર્થીઓને ‘જ્ઞાન’ના પાઠ મહેશ આહજોલિયા ભણાવતા હતા. ગાંધીનગર વર્ષોથી ક્લાસીસ ચલાવતા મહેશ આહજોલિયા હાલ સેક્ટર-6 ખાતે જ્ઞાન એકેડમી ચલાવે છે.
મહેશ આહજોલિયા પણ સરકારી કર્મચારી જ હતો, જોકે તેણે થોડા મહિના પહેલાં જ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો.
તલાટી નીતા પટેલે એક લાખ રૂપિયાની લાંચની માગી હતી, જે આંગડિયા મારફત ગાંધીનગરમાં મહેશ અમૃત આહજોલિયાને મોકલવા કહ્યું હતું, પરંતુ આ રૂપિયા આપવાના બદલે અરજદારે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપર વિઝનમાં પીઆઇ એ.કે.ચૌહાણ ફિલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરિયાદ આધારે 22 સપ્ટેમ્બર રોજ છટકું ગોઠવી મહિલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલિયાએ મોબાઇલ ફોન ઉપર રૂપિયાની લેવડ દેવડની વાત કરી હતી. ફરિયાદીએ 1,00,000ની રકમ ગાંધીનગર મહેશને મોકલી હતી. એસીબીએ ત્યારે ત્રાટકી તેને અને પછી નીતા પટેલને રાજપીપળાથી પકડી પાડ્યા હતા.