T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સોમવાર (12 સપ્ટેમ્બર)ના રોજ જાહેર 15 સભ્યોની ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા કરવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. તેમજ, દિનેશ કાર્તિક પણ ટીમમાં હાજર છે.
ICC Men’s T20 world cup 2022 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડી
મોહમ્મદ શમી, શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.
એશિયા કપની હારથી બોધપાઠ લઈને BCCIએ હાર્દિક પંડ્યા સહિત પાંચ ફાસ્ટ બોલર્સને જગ્યા આપી છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ફિટ થયા બાદ સ્ક્વોડમાં પાછા ફર્યા છે. બુમરાહ પીઠમાં તકલીફ, જ્યારે હર્ષલ પટેલ પાંસળીની ઈજાને પગલે એશિયા કપમાં ભાગ લઈ શક્યા ન હતા. બંને ખેલાડીઓએ NCAમાં રિહેબમાંથી પસાર થવુ પડ્યું છે. હવે બંને ખેલાડીઓના પાછા ફરવાથી ટીમને ખૂબ જ મજબૂતી મળશે. સ્ક્વોડમાં ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલર્સ પણ સામેલ છે જે એશિયા કપમાં પણ ટીમનો પાર્ટ હતા.
એશિયા કપ 2022માં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને જગ્યા નહોતી મળી. પરંતુ, T20 વર્લ્ડ કપ માટે તેને BCCIએ સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં પસંદ કર્યો છે. જો કોઈક કારણોસર ટૂર્નામેન્ટની વચ્ચે કોઈ બોલર બહાર થઈ જાય તો શમી તેની જગ્યા લઈ શકે. ખાસ વાત એ છે કે, સ્ટેન્ડબાય પ્લેયરમાં એક અન્ય ફાસ્ટ બોલર દીપક ચાહર પણ સામેલ છે. દીપક ચાહર એશિયા કપમાં પણ સ્ટેન્ડબાય હતો, પરંતુ આવેશ ખાનના અસ્વસ્થ થયા બાદ તેને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સ્ક્વોડમાં અનુભવી ખેલાડી આર. અશ્વિન અને દિનેશ કાર્તિકને પણ જગ્યા મળી છે. તેમજ સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતને પણ જગ્યા મળી છે. શ્રેયસ ઐય્યરે ફરી એકવાર સ્ટેન્ડબાય પ્લેયર બનીને સંતોષ કરવો પડ્યો છે. તેમજ રવિ બિશ્નોઈને પણ સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિ બિશ્નોઈ એશિયા કપમાં મુખ્ય સ્ક્વોડનો હિસ્સો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન પિચોને ધ્યાનમાં રાખીને એક ફાસ્ટ બોલરને મહત્ત્વ આપવામાં આવ્યું છે.