Wednesday, November 20, 2024
HomeBusinessGSTમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે બહાર પડેલ માર્ગદર્શિકા

GSTમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે બહાર પડેલ માર્ગદર્શિકા

  • ફરિયાદ દાખલ કરવાથી કોઈ વ્યક્તિ સામેની કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થાય
  • જેના દ્વારા ગુનેગાર સામેના આરોપો પ્રદર્શિત થાય
  • એક વખત ફોજદારી ફરિયાદ દાખલ થઈ જાય પછી તેની પૂરતી દેખરેખ રખાવવી જોઈએ

GST કાયદાની કલમ 132માં ગુનાઓ જણાવવામાં આવેલ છે કે જેના માટે ફોજદારી કાર્યવાહી અને ફરિયાદ થઈ શકે છે. જે કોઈ વ્યક્તિ કલમ 132 (1) અને 132 (2)માં જણાવવામાં આવેલ ગુનાઓ કરે તેની સામે ફોજદારી ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ દાખલ કરવાથી કોઈ વ્યક્તિ સામેની કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થાય છે કે જેના દ્વારા ગુનેગાર સામેના આરોપો પ્રદર્શિત થાય છે. કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરતી વખતે અનુસરવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા તા. 1-9-2022ના રોજ સૂચના નંબર 04/2022-23 (GST Investigation) GST ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બહાર પડેલ છે જેની માહિતી આજના લેખમાં આપી છે.

ફરિયાદની મંજૂરી આપતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો

કોઈ વ્યક્તિ સામે ફરિયાદ કરવાની મંજૂરી આપવાથી તે વ્યક્તિને ગંભીર પરિણામ ભોગવવું પડે છે અને તેથી જે કોઈ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોય તેને ખૂબ ઝીણવટભરી રીતે ચકાસવા જરૂરી છે. ફરિયાદ કરવી કે કેમ તે નક્કી કરતી વખતે પુરાવા પૂરતા છે કે કેમ તેની ચકાસણી કરવી આવશ્યક છે. ફોજદારી ફરિયાદ કરવા આકારણી કરતા વધુ પુરાવા જરૂરી છે કારણ કે કેસને વાજબી શંકાથી પણ ઉપર સ્થાપિત કરવો જરૂરી છે. આથી જે કેસમાં આકારણી થઈ ગઈ હોય તેમાં પણ ફોજદારી ફરિયાદ કરવી કે કેમ તે માટે પુરાવાઓની પૂરતી ચકાસણી કરવી જોઈએ. પુરાવાના આધારે એવું સ્થાપિત થઈ શકતું હોવું જોઈએ કે માણસનું ગુનાહિત માનસ હતું. ગુનાની તેને ખબર હતી અથવા ગુનો કરવાનો તેનો બદઇરાદો હતો. દરેક કેસના ગુણદોષ તપાસીને જેવા કે ગુનાનો પ્રકાર અને ગંભીરતા, કરચોરીની રકમ અથવા ખોટી વાપરેલ ITC કે ખોટું મેળવેલ રિફંડ વગેરે બાબતો અને તેને લગતા પુરાવાની ચકાસણી કરીને નિર્ણય લેવો જોઈએ. આકારણીમાં માંગણું ઉપસ્થિત થાય તેટલા જ કારણોસર ફોજદારી ફરિયાદ કરવી જોઈએ નહીં. જ્યારે ટેક્નિકલ બાબતો સમાયેલ હોય કે કાયદાના અર્થઘટનના મતભેદના કારણે માંગણું ઉપસ્થિત થયેલ હોય ત્યારે ફોજદારી કાર્યવાહી ન કરવી જોઈએ. પબ્લિક લિમિટેડ કંપનીઓના કેસમાં દરેક ડિરેક્ટર વિરુદ્ધ અવિચારી ફોજદારી કાર્યવાહી ન કરવી જોઈએ પરંતુ ફક્ત જે વ્યક્તિ કંપનીનો રોજબરોજનો કાર્યભાર સંભાળતા હોય અથવા જેઓએ કરચોરી કરવામાં સક્રિય ભાગ લીધો હોય તેમની સામે જ ફરિયાદ કરવી જોઈએ. માન. સુપ્રીમ કોર્ટના રાધેશ્યામ કેજરીવાલ 2011 (266) ELT 294ના ચુકાદા અનુસાર આકારણી પહેલાં પણ ફરિયાદ દાખલ થઈ શકે છે ખાસ કરીને જ્યારે ગુનો ખૂબ ગંભીર હોય કે ગુણાત્મક પુરાવા પ્રાપ્ત હોય કે એવી શંકા હોય કે સંદર્ભિત વ્યક્તિ આકારણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં વિલંબ કરાવશે. જો ગુનેગારની GST કાયદાની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવેલ હોય તો શો-કોઝ નોટિસ આપ્યા પહેલાં પણ ફરિયાદ દાખલ કરી શકાય છે.

નાણાકીય રકમ મર્યાદા

જ્યારે કરચોરીની રકમ કે ITCના દુરુપયોગ કે ખોટી રીતે મેળવેલ રિફંડની રકમ કલમ 132 (1)માં દર્શાવેલ ગુનાઓ માટે રૂ. 5 કરોડથી વધુ હોય ત્યારે સામાન્ય રીતે ફરિયાદ કરવી જોઈશે. આમ છતાં જેઓ આવા ગુના કરવા રિઢા હોય તેની સામે ફરિયાદ થઈ શકે છે. કરદાતા કરચોરી માટે રિઢા ગુને���ાર છે એવું ત્યારે કહી શકાય જ્યારે તેની સામે બે કે વધુ કેસોમાં આકારણીના પ્રથમ તબક્કે દગાબાજી કે હકીકત છુપાવવાના કારણે કરચોરી કે ગેરકાયદેસર રિફંડ કે ITCના દુરુપયોગના કારણે માંગણું ઉપસ્થિત થયેલ હોય કે જેમાં છેલ્લા બે વર્ષમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમનું માંગણું ઉપસ્થિત થયેલ હોય. જે કેસોમાં તપાસ દરમિયાન GSTની કલમ 69 હેઠળ ધરપકડ થયેલ હોય તેની સામે પણ રૂ. પાંચ કરોડથી ઓછું માંગણું હોવા છતાં ફરિયાદ દાખલ કરી શકાય.

ફરિયાદની મંજૂરીની સત્તા

કલમ 132 (6) મુજબ પ્રિન્સિપલ કમિશનર કે કમિશનરની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી શકાય નહીં. જે કેસોમાં DGGI દ્વારા તપાસ થયેલ હોય ત્યાં ફોજદારી ફરિયાદ માટેની મંજૂરી પ્રિન્સિપલ એડિશનલ ડિરેક્ટર કે જનરલ અથવા એડિશનલ ડિરેક્ટર જનરલ કે જે તે ઝોનલ યુનિટ કે હેડ ક્વાર્ટરના ડિરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટલિજન્સની પરવાનગી લેવી ફરજિયાત છે.

ફરિયાદની મંજૂરીની પ્રક્રિયા

જે કેસોમાં તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હોય અને જામીન આપવામાં ન આવ્યા હોય તેવા કેસમાં ધરપકડની તારીખથી 60 દિવસમાં કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. અન્ય કેસોમાં ચોક્કસ સમય મર્યાદામાં ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ. ધરપકડ થાય તેના 50 દિવસમાં માર્ગદર્શિકામાં આપેલ નમૂનામાં ફરિયાદ દાખલ કરવા માટેની દરખાસ્ત કરવાની રહેશે કે જેના આધારે પ્રિન્સિપલ કમિશનર કે કમિશનરે ફરિયાદ દાખલ કરવા અંગેનો નિર્ણય કરવાનો રહેશે. જો કરિયાદ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવે તો તેની મંજૂરીનો આદેશ અને તપાસ અધિકારીને આ અંગેની સત્તા આપતો આદેશ તેઓએ આપવાનો રહેશે. કંપનીઓના કેસમાં કલમ 137 (1)ની જોગવાઈ અનુસાર કાયદેસરની વ્યક્તિ અને કુદરતી વ્યક્તિ એ બંને સામે ફરિયાદ થઈ શકે છે અને તે જ રીતે કલમ 137 (3) અનુસાર ભાગીદારી પેઢીના ભાગીદાર, હિન્દુ અવિભક્ત કુટુંબના કર્તા અને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે. જ્યારે આકારણી પહેલાં ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે તે અંગેના કારણોની નોંધ કરવાની રહેશે અને મંજૂરી આપનાર અધિકારીને તે મોકલવાની રહેશે. આકારણી અધિકારીને ફરિયાદ કરવાની મંજૂરીના નિર્ણયની જાણ કરવાની રહેશે કે જેથી તેઓએ ફરીથી કેસને તપાસવાનો રહે નહીં. જે કેસમાં અગાઉ ફરિયાદ ન થયેલ હોય તે તમામ કેસોમાં આદેશ કરતી વખતે આકારણી અધિકારીએ જણાવવાનું રહેશે કે તેમના મતે ફરિયાદ દાખલ કરવી જોઈએ કે નહીં. જો આકારણી આદેશમાં ફરિયાદ અંગે નિર્ણય કરવામાં ન આવ્યો હોય તો જે તે આકારણીની શાખાએ આદેશના 15 દિવસમાં આકારણી અધિકારીને ફોજદારી ફરિયાદ અંગે નિર્ણય કરવા ફાઈલ પાછી આપવાની રહેશે. કેસની ગંભીરતા ધ્યાનમાં લેતા પ્રિન્સિપલ કમિશનર કે કમિશનર સ્વયં પણ ફોજદારી ફરિયાદ અંગે નિર્ણય કરી શકે છે. એક વખત ફોજદારી ફરિયાદ કરવાની મંજૂરી મળી જાય ત્યારે બનતી ઝડપથી અને કોઈપણ સંજોગોમાં 60 દિવસથી મોડું નહીં તેટલા દિવસમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ જવી જોઈએ. જો ફરિયાદ દાખલ કરવામાં 60 દિવસથી મોડું થાય તો તેના કારણો પરવાનગી આપનાર અધિકારીને જણાવવાના રહેશે.

ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા

જો ફરિયાદ દાખલ કરવાની પરવાનગી આપતો આદેશ થયેલ હોય પરંતુ ફરિયાદ દાખલ ન થઈ હોય અને તે દરમિયાન નવી હકીકતો કે પુરાવા મળે કે જેના કારણે ફરિયાદ કરવાની મંજૂરીના નિર્ણયની પુનઃવિચારણા જરૂરી હોય તો કમિશનરની કચેરીએ મંજૂરી આપનાર અધિકારીને તેની જાણકારી આપવી જોઈએ. નવી હકીકતો અને પુરાવાના આધારે જો અધિકારીને સંતોષ થાય તો તેઓ ફરિયાદ પાછી ખેંચવા અંગે નિર્ણય કરી શકે છે. રાધેશ્યામ કેજરીવાલના ઉપર જણાવેલ માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જ્યારે આકારણીની કાર્યવાહીમાં જણાય કે કેસના ગુણદોષ જોતા કાયદાની જોગવાઈનો ભંગ થયેલ નથી અને આવો આદેશ આખરી થઈ જાય તો ફરિયાદની મંજૂરી આપનાર અધિકારીએ એવી તકેદારી રાખવાની રહેશે કે પબ્લિક પ્રોઝિક્યૂટર મારફતે કોર્ટમાં ફરિયાદ પાછી ખેંચવાની અરજી કરવામાં આવે. કોર્ટની પરવાનગી બાદ જ ફરિયાદ પાછી ખેંચી શકાય.

સામાન્ય માર્ગદર્શિકા

ઘણી વખત કોર્ટમાં રજૂ કરવાના આવશ્યક રેકોર્ડ રજૂ ન થાય કે ફરિયાદના લેખનમાં વિલંબ વિગેરે કારણોસર કોર્ટની કાર્યવાહીમાં ઢીલ થતી હોય છે. જેને ફરિયાદ દાખલ કરવાની સત્તા આપવામાં આવી હોય તેની જવાબદારી રહેશે કે કોર્ટમાં રજૂ કરવાના તમામ દસ્તાવેજો, સ્ટેટમેન્ટ અને અન્ય પુરાવાઓનો તેઓ હવાલો મેળવી લે. ફરિયાદનો મુસદો નક્કી કરતી વખતે જે પુરાવા રજૂ કરવાના હોય તેને પબ્લિક પ્રોઝિક્યૂટરની સાથે પરામર્શમાં આખરી કરવાના રહેશે. તમામ પુરાવાને સલામત રીતે રાખવાના રહેશે. કરદાતા એ અપીલ કરી છે કે ફેરતપાસ માટે અરજી કરેલ છે તે કારણસર ફરિયાદ દાખલ કરવામાં ઢીલ કરવી જોઈએ નહીં. પરંતુ અપીલ અને ફેરતપાસની કાર્યવાહી માટે તમામ કાગળોની અલગ ફાઈલ બનાવવાની રહેશે જેથી તે કાર્યવાહીમાં વિલંબ ન થાય. તમામ આકારણીના આદેશોની નકલ આકારણી વિભાગે ફરિયાદ કરનાર વિભાગને આપવાના રહેશે.

અપરાધીના નામની પ્રસિદ્ધિ

જે વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તેની માહિતી પ્રસિદ્ધ કરવાની કલમ 159 સત્તા આપે છે અને તેથી યોગ્ય કેસોમાં જે વ્યક્તિ ગુનેગાર પુરવાર થાય તેની માહિતી ખાતાએ જાહેર કરવી જોઈએ.

ફરિયાદની દેખરેખ

એક વખત ફોજદારી ફરિયાદ દાખલ થઈ જાય પછી તેની પૂરતી દેખરેખ રખાવવી જોઈએ. માસિક ધોરણે ઉચ્ચ અધિકારીએ દેખરેખ રાખવી જોઈએ અને જો કોઈ સુધારાત્મક પગલાં જરૂરી હોય તો તે લેવા જોઈએ. કલમ 138માં ઠરાવેલ રકમ ભરાતા ગુનો માંડવાળ કરવાની જોગવાઈ છે. આ જોગવાઈની ગુનેગારને જાણકારી આપવી જોઈએ અને તેવી વ્યક્તિને તે માટેની દરખાસ્ત ફરિયાદની પરવાનગી આપનાર અધિકારીએ આપવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments