Wednesday, November 20, 2024
HomeGujarati Newsપાર્ટી પ્લોટ-ક્લબોમાં પૂરજોશમાં નવરાત્રીની તૈયારીઓ, આ વખતે પણ ગ્રુપ બુકિંગમાં ભારે ધસારો

પાર્ટી પ્લોટ-ક્લબોમાં પૂરજોશમાં નવરાત્રીની તૈયારીઓ, આ વખતે પણ ગ્રુપ બુકિંગમાં ભારે ધસારો

હાઈલાઈટ્સ:

  • રાજપથ ક્લબમાં લગભગ સાત દિવસ માટે નવરાત્રીનું આયોજન થયું છે.
  • જ્યારે YMCA ક્લબમાં નવે નવ દિવસ ગરબા યોજાશે.
  • આ વર્ષે પણ સ્પોન્સરશીપ ગરબા આયોજકો માટે ચિંતાનું કારણ બની છે.

અમદાવાદ: કોરોનાના કેસ નિયંત્રણમાં છે, વધુમાં વધુ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે અને કોરોનાના લીધે મૂકાયેલા પ્રતિબંધો હળવા થઈ રહ્યા છે ત્યારે બે વર્ષના વિરામ બાદ અમદાવાદમાં નવરાત્રીની ધૂમ હશે. અમદાવાદમાં આવેલા ગરબાના કોમર્શિયલ સ્થળો ઉપરાંત ખાનગી પાર્ટી પ્લોટ્સ અને વિવિધ ક્લબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી માટે લાઈટિંગ સહિતની વિવિધ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જોકે, પ્રાઈવેટ ઈવેન્ટ અને કોમર્શિયલ સ્થળોએ ગ્રુપ બુકિંગને આ વર્ષે પણ લોકોમાં પ્રખ્યાત છે.

પોતાના ગ્રુપ સાથે ગરબા રમવાનો ટ્રેન્ડ આ વખતે પણ પ્રચલિત

કોરોના સંબંધિત નિયંત્રણો હટાવી દેવાયા હોવા છતાં પણ ખાનગી ઈવેન્ટ્સના બુકિંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે શહેરની બહારના વિસ્તારમાં આવેલા કેટલાય બંગલા અને ફાર્મહાઉસમાં મર્યાદિત સંખ્યામાં લોકો સાથેની કેટલીય ખાનગી ઈવેન્ટ યોજાઈ હતી. “આ ટ્રેન્ડ ચાલુ વર્ષે પણ પ્રચલિત છે અને લોકો આ વર્ષે પણ ઓળખીતા લોકો સાથે જ ગરબા રમવાનું પસંદ કરી રહ્યા છે. એટલે જ પ્રાઈવેટ ઈવેન્ટ જેમાં માત્ર આમંત્રણ થકી જ પ્રવેશ મળતો હોય તેની સંખ્યા વધી છે. વળી, કેટલાક લોકો તો આને બ્રાન્ડિંગની સારી તક માની રહ્યા છે. આ ટ્રેન્ડ જાણે જૂના દિવસો તરફ પાછા લઈ જઈ રહ્યો છે કારણકે રહેણાંક સોસાયટીઓમાં આ વખતે ગરબા મોટાપાયે યોજાઈ રહ્યા છે”, તેમ શહેરની એક ઈવેન્ટ ફર્મના ડાયરેક્ટર હિમાંશુ શાહે જણાવ્યું.

કોમર્શિયલ આયોજકોએ નક્કી કરી સંખ્યા

કોમર્શિયલ સ્થળોએ તો આયોજકોએ લોકોની સંખ્યા નક્કી કરી દીધી છે. રસપ્રદ વાત તો એ છે કે આ વર્ષે ગ્રુપ બુકિંગની નોંધણી વધુ થઈ રહી છે. શહેરની એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મના ડાયરેક્ટર હાર્દિક ઠક્કરે કહ્યું, “આ વખતે અમે હેબતપુર રોડ નજીક ગરબાનું સ્થળ રાખ્યું છે. પાસની માગ સારી છે સાથે જ આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે, ગ્રુપ અથવા બલ્કમાં પાસ બુકિંગની માગ થઈ રહી છે. કેટલાય કોર્પોરેટની ઈન્ક્વાયરી આવી રહી છે અને તેઓ પોતાના સર્કલ માટે એક આખી રાત માટે બુકિંગ કરવાની માગ કરી રહ્યા છે. કોરોના મહામારી બાદ લોકો જાહેરસ્થળોએ અજાણ્યા લોકો સાથે ગરબા કરવાને બદલે પોતાના જાણીતા ગ્રુપ સાથે જ ગરબે ઘૂમવાનું પસંદ કરી રહ્યા છે.”

ક્લબોએ પણ કમર કસી

બે વર્ષના અંતરાલ બાદ ક્લબોએ પણ નવરાત્રી માટે કમર કસી લીધી છે. રાજપથ ક્લબમાં લગભગ સાત દિવસ માટે નવરાત્રીનું આયોજન થયું છે જ્યારે YMCA ક્લબમાં નવે નવ દિવસ ગરબા યોજાશે. રાજપથ ક્લબના સેક્રેટરી મિશાલ પટેલે કહ્યું, “એક દિવસ ગરબા માત્ર ક્લબના સભ્યો માટે જ રાખવામાં આવ્યા છે જ્યારે બાકીના છ દિવસ સભ્યો અને આમંત્રિત મહેમાનો માટે હશે. અમે મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપીશું જેથી ભીડ ના થાય અને લોકો ખરેખર તહેવારની મજા માણી શકે.”

સ્પોન્સરશીપ ચિંતાનું કારણ

જોકે, આ વર્ષે પણ સ્પોન્સરશીપ ગરબા આયોજકો માટે ચિંતાનું કારણ બની છે. શહેરની એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મના ડાયરેક્ટર મનોજ ચૌધરીએ કહ્યું, “અમે હાલમાં જ કર્ણાવતી ક્લબ અને અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં નવ દિવસ ગરબાનું આયોજન કરવા માટે કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો છે. બે વર્ષ બાદ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોનો ઉત્સાહ અનેરો છે અને માર્કેટમાં પણ તહેવારનો રંગ દેખાઈ રહ્યો છે. જોકે, સ્પોન્સરશીપ આ વખતે પણ ચિંતાનું કારણ છે. સામાન્ય રીતે તમાકુ કંપનીઓ, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરો અને રિયલ એસ્ટેટ કંપનીઓ ગરબાની સ્પોન્સર હોય છે પરંતુ આ વખતે તેઓ પણ રસ નથી લઈ રહ્યા.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments