PC: cricketaddictor.com
ભારતીય ટીમે પોતાની ગ્રુપ મેચમાં પાકિસ્તાન અને હોંગકોંગને હરાવ્યું હતું, પરંતુ તે પછી સુપર 4માં કહાની બદલાઈ ગઈ. સુપર 4ની મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાનની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આજે (6 સપ્ટેમ્બરના રોજ) ભારતીય ટીમનો સામનો શ્રીલંકાની ટીમ સાથે થશે. ફાઇનલમાં પહોંચવા માટે કેપ્ટન રોહિત શર્મા ટીમના પ્લેઇંગ 11માં મોટા બદલાવ કરી શકે છે. પાકિસ્તાનની સામે મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા બદલાવ થઈ શકે છે.
પાકિસ્તાનની સામે કેપ્ટન રોહિત શર્મા અને KL રાહુલની ઓપનિંગ જોડીએ ધમાકેદાર દેખાવ કર્યો હતો. આ બંનેએ મળીને 50 રનોથી વધુ રનની ભાગીદારી કરી હતી. જ્યારે, આ પછી પાવરપ્લેમાં આ બંનેએ મળીને પાકિસ્તાની ટીમના જોરદાર ધજાગરા ઉડાવ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ તોફાની બેટિંગ કરતા 60 રનની ઇનિંગ રમી હતી. એવામાં શ્રીલંકાની સામે આ ત્રણેય બેટ્સમેનોનું રમવું નક્કી છે.
મિડિલ ઓર્ડરમાં થઈ શકે છે બદલાવ
પાકિસ્તાનની સામે મિડિલ ઓર્ડરના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ જોવા મળ્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 13 રનની જ ઇનિંગ રમી હતી. જ્યારે, વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત પોતાના નામ પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યો. તે ખોટો શૉટ રમીને આઉટ થયો હતો. તેણે 10 રન બનાવ્યા હતા. એવામાં શ્રીલંકાની સામે મેચમાં તેના સ્થાને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે, નંબર છ પર હાર્દિક પંડ્યાને અજમાવવામાં આવી શકે છે. ઓલરાઉન્ડરની જવાબદારી દીપક હુડ્ડાને સોંપવામાં આવી શકે છે.
પાકિસ્તાનની સામે મેચમાં રવિ બિશ્નોઈને છોડીને તમામ બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાની બેટ્સમેનોએ આ બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની ચાર ઓવરના ક્વોટામાં 43 રન આપ્યા અને માત્ર એક વિકેટ જ લઈ શક્યો હતો. એવામાં તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને સામેલ કરવામાં આવી શકે છે. ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહને એક બીજી તક આપવામાં આવી શકે છે.
શ્રીલંકાની સામે ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, રવિચંદ્રન અશ્વિન.