સચિન તેંડુલકરને ODI વર્લ્ડ કપના ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેમને આ સન્માન આપ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે.
તેંડુલકર ટ્રોફી સાથે અહીં પહોંચશે. આ પછી વર્લ્ડ કપ શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમ 2019 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે.
સચિન વર્લ્ડ કપની શરૂઆતની જાહેરાત કરશે
સચિન તેંડુલકર ગુરુવારે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની મેચ પહેલાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઊતરશે અને ટુર્નામેન્ટને ઓપન જાહેર કરશે. તેંડુલકરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું, ‘1987માં બોલ બોય બનવાથી લઈને છ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી, વર્લ્ડ કપ હંમેશાં મારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે.
યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે
સચિન તેંડુલકરનું કહેવું છે કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને ઘણી પ્રેરણા પૂરી પાડશે. ઘણી બધી ચુનંદા ટીમો અને ખેલાડીઓ અહીં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં સખત સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હું આ શાનદાર ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. હું આશા રાખું છું કે આ વખતે આ ટુર્નામેન્ટ યુવા પ્લેયર્સ રમતગમતમાં જોડાવા અને ટોચના સ્તરે તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરિત કરશે.
2011નો વર્લ્ડ કપ જીતવો એ સૌથી ગર્વની ક્ષણ હતી
ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યા બાદ સચિને કહ્યું- મારા દિલમાં વર્લ્ડ કપનું ખાસ સ્થાન છે. 1987માં બોલ બોય બનવાથી શરૂ કરીને છ વખત દેશનું પ્રતિનિધિત્વ કરવું અને 2011નો વર્લ્ડ કપ જીતવો એ મારા માટે સૌથી ગર્વની ક્ષણ હતી. ભારતમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપમાં ઘણી ટીમો અને ખેલાડીઓ જોરદાર લડત આપવા જઈ રહ્યા છે. હું આ ટુર્નામેન્ટને લઈને ઉત્સાહિત છું. મને આશા છે કે આ આવૃત્તિ બાળકોને રમતગમતમાં આવવા અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરણા આપશે.
વિવ રિચર્ડ્સ, ડી વિલિયર્સ અને મુથૈયા મુરલીધરન પણ બ્રાન્ડ-એમ્બેસેડર છે
ICCએ વિવિયન રિચર્ડ્સ, એબી ડી વિલિયર્સ, ઓવેન મોર્ગન, એરોન ફિન્ચ, મુથૈયા મુરલીધરન, રોસ ટેલર, સુરેશ રૈના, મિતાલી રાજ અને મોહમ્મદ હાફિઝને બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.
તેંડુલકર 6 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા
સચિન તેંડુલકર 6 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. તેમણે 1992થી 2011 સુધી 45 વર્લ્ડ કપ મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મેચોમાં તેંડુલકરે 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા હતા, જેમાં 6 સદી અને 15 અડધી સદી સામેલ છે.
ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે
ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નઈમાં રમાશે.