વિદેશની ધરતી, 162 એકર જમીન પર ભવ્ય મંદિર, આલીશાન બાંધકામ, મંદિરના પ્રાંગણમાં નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચી નયનરમ્ય પ્રતિમા અને દરરોજ કારીગરોની સાથોસાથ કામ કરતા સેંકડો સ્વયંસેવક. આ અદભુત દૃશ્યો જોવા મળ્યું અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં આવેલા રોબિન્સવિલે શહેરમાં. જ્યાં મોટું અને ભવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થવા આવ્યું છે. આ અદભુત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 8 ઓક્ટોબરે છે.
8 ઓક્ટોબરે થશે મંદિરનું ઉદ્ધાટન
અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 2011માં શરૂ થયું હતું, જે હવે 2023માં પૂર્ણ થયું છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે અને તેનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર 2023ના રોજ થશે. તમને જણાવી દઈએ કે, આ મંદિરનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે.
વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર
અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને આ સ્વામિનારાયણ અક્ષરધામને 12,500થી વધુ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે થશે, પરંતુ તે પહેલા જ હજારો લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા છે.
મંદિરનું આવી રીતે થયું ભવ્ય બાંધકામ
ન્યૂ જર્સી રોબિન્સવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર બહાર અને અંદર બંને રીતે સુંદર છે. મંદિરના બહારના ભાગે હિન્દુ સ્થાપત્યને અનુસરીને બનાવવામાં આવેલો 135 ફૂટ પહોળો અને 55 ફૂટ ઊંચો વિશાળ મંડપ મંદિરને અદભુત સુંદરતા પૂરી પાડવાની સાથોસાથ સુરક્ષા પણ આપે છે, જેમાં બનેલા સ્તંભ પર આંખો ઠરી જાય એવું બારીક કોતરકામ કરવામાં આવ્યું છે.
મયૂર દ્વાર
મંડપનો મુખ્ય દરવાજો, જેને મયૂર દ્વાર કહેવાય છે, એ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મયૂર દ્વારને આરસમાંથી કોતરવામાં આવેલા મોર, હાથી, સાધુઓ અને ભક્તો સહિત 236 શિલ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ભવ્ય મંદિર સુધી પહોંચવા માટે 50 ફૂટ ઊંચું લાઈમસ્ટોનનો ગેટ છે. આ ગેટ પર સેંકડો મોર કોતરવામાં આવ્યા છે. મયૂર દ્વાર એ હિંદુ મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રવેશદ્વારની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે.
પ્રાર્થના હોલ
મંદિર પાસે બનેલા મંડપમાં એક ભવ્ય પ્રાર્થના હોલ છે, જ્યાં એક સમયે 1000થી પણ વધુ ભક્તો બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે. મંદિર સંકુલના યુવાનો માટે પ્રવૃત્તિ કેન્દ્ર, મુલાકાતીઓ માટે આરામગૃહ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું હતું. એક આકર્ષક વાત એ પણ છે કે મંદિર અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા ઉત્તર અને દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીના સમૃદ્ધ મિશ્રણથી પ્રભાવિત છે.
સ્તંભ, દીવાલ, છતથી નજર ન હટે એવું નકશીકામ
રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય ભાગ 4 માળનો છે, જેમાં ભારતના વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિની ગૌરવશાળી ગાથાને પ્રદર્શિત કરે છે. સુશોભિત સ્તંભ, દીવાલો અને છત પર થયેલું કોતરણીકામ રામાયણ, મહાભારત અને પ્રાચીન ગ્રંથોની વાર્તાઓને દર્શાવે છે. હોલમાં ભારતીય હિંદુ સમુદાયના ધાર્મિક આગેવાન અને સાધુઓની મૂર્તિઓ મુકાઈ છે.
ભવ્ય ગુંબજ
34 ફૂટ ઊંચા, 30 ફૂટ વ્યાસવાળા ગુંબજ મંદિરને ભવ્યતા પ્રદાન કરે છે, જે મંદિરની કોતરણીની જટિલતાને પૂરક બનાવે છે. ગુંબજ માત્ર એક પથ્થર કે આધુનિક સમયમાં બનતી ઈમારતોની જેમ ક્રોંક્રીટથી નથી બનાવવામાં આવ્યો, પરંતુ વિવિધ ઇન્ટરલોકિંગ સ્લેબનું સંયોજન છે. ગુંબજની મધ્યમાં એક સુંદર આરસનું કેન્દ્ર છે. કી-સ્ટોનની જેમ, આ એક ટુકડો, બાકીના પથ્થરો સાથે એવી રીતે જોડાયેલો છે કે તેને નયનરમ્ય આકર્ષણની સાથે મજબૂતી પણ મળી રહે. ગુંબજમાં લગાવેલા તમામ પથ્થર જાણે કે એકબીજા સાથે ‘તાળું’ લગાવ્યું હોય એવી રીતે જોડવામાં આવ્યા છે.
મંદિરના પ્રવેશદ્વાર ઉપરાંત વિવિધ દીવાલો પર મોર, હાથી, સિંહ, વાનર, હરણ, સસલાં, બકરાં, પોપટ, ગાય અને ખિસકોલી સહિતનાં ઘણાં પ્રાણીઓની શિલ્પાકૃતિઓ છે. સમગ્ર મંદિરમાં પ્રાણીઓની આવી કોતરણી યાદ અપાવે છે કે હિંદુ ધર્મ પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકે છે.