- મોદીએ કહ્યું, આ ભક્તોના વિશાળ સમુદાય માટે ગહન આધ્યાત્મિક મહત્ત્વનો પ્રસંગ
- આ મંદિર ભારતનાં મૂલ્યો, સંસ્કૃતિ તથા તેના વિશ્વમાં યોગદાનને દર્શાવે છે: સુનક
બીએપીએસ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં હાલ સ્વામિનારાયણ અક્ષરધામના લોકાર્પણ સમારોહ ચાલી રહ્યો છે. જ્યાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા વિધિથી કરાશે ત્યારે વિશ્વભરના દેશોના વડા સહિત પ્રતિષ્ઠિત નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. આ સાંસ્કૃતિક સીમાચિહ્નનું વૈશ્વિક મહત્ત્વ દર્શાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ શુભેચ્છા પાઠવી છે.
વૈશ્વિક સ્તરે સ્વામિનારાયણ અક્ષરધામ એ હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્ન છે, જે આધ્યાત્મિક ઉત્કર્ષ અને સામાજિક સેવાનું ઊર્જાકેન્દ્ર છે, ન્યૂ જર્સીમાં આવેલા અક્ષરધામ વૈશ્વિક સ્તરે આ પ્રકારનું તૃતીય સંકુલ છે. સૌપ્રથમ અક્ષરધામ 1992માં ગાંધીનગરમાં, 2005માં નવી દિલ્હી ખાતે બીજું અક્ષરધામ બન્યું હતું. રોબિન્સવિલે અક્ષરધામનો લોકાર્પણ સમારોહ 8 ઓક્ટોબરે યોજાશે. વડાપ્રધાન મોદીએ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, મને ન્યૂ જર્સીમાં અક્ષરધામ મહામંદિરના લોકાર્પણ સમારોહ વિશે જાણીને આનંદ થયો. તે વિશ્વભરના ભક્તોના વિશાળ સમુદાય માટે ગહન આધ્યાત્મિક મહત્ત્વનો પ્રસંગ છે. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, અમે આ મંદિરની સુંદરતાથી તેમ જ શાંતિ, સંવાદિતા અને વધુ સારા માનવી બનવાના તેના સાર્વત્રિક સંદેશથી આશ્ચર્યચકિત અને પ્રભાવિત થઈ ગયા છીએ, કારણકે આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે, જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં તેના યોગદાનને પણ દર્શાવે છે.