ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. આ વચ્ચે એવી માહિતી મળી રહી છે કે જેઠાલાલનો રોલ નિભાવતા દિલીપ જોશીએ શોમાંથી થોડો સમય બ્રેક લીધો છે. Etimesના રિપોર્ટ મુજબ, દિલીપ જોશીએ હંમેશા શોના શૂટિંગને પ્રાથમિકતા આપી છે, તેથી તેમણે ઘણી ઓછી રજાઓ લીધી છે પરંતુ હવે તેઓ થોડા સમય માટે શોમાં જોવા નહીં મળે.
બ્રેકનું કારણ આ રહ્યું
Etimesના રિપોર્ટ મુજબ, દિલીપ જોશી કામમાંથી બ્રેક મળ્યા બાદ પરિવાર સાથે તાન્ઝાનિયા ગયા છે. તેઓ ધાર્મિક પ્રવાસે છે અને ત્યાંના સ્વામિનારાયણ મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. દિલીપ જોશી ફેબ્રુઆરીમાં પણ અબુધાબી જશે. જ્યાં BAPS સ્વામીનારાયણ મંદિરના સમારોહમાં ભાગ લેશે
15 વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવે છે
દિલીપ જોશી 2008 થી શો સાથે સંકળાયેલા છે જ્યારે આ શોની શરૂઆત થઈ હતી. 15 વર્ષ પછી પણ જેઠાલાલના રોલમાં તેમની લોકપ્રિયતા હજુ પણ પહેલાં જેવી જ છે. વર્ષોથી ઘણા કલાકારોએ શોને અલવિદા કહ્યું છે. તેમાંથી એક દિશા વાકાણી છે જે દયાબેનના રોલમાં હતા. 2017માં મેટરનીટી બ્રેક બાદ દિશા શોમાં પાછી ફરી ન હતી. તેમના સિવાય શૈલેષ લોઢા, જેનિફર બેનીવાલ મિસ્ત્રી, રાજ અનડકટ જેવા કલાકારોએ પણ છેલ્લા એક વર્ષમાં શો છોડી દીધો છે.
છેલ્લાં ઘણા દિવસથી શો વિવાદમાં છે
હાલમાં જ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ નિર્માતા અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે શો છોડવાનું કારણ જણાવ્યું હતું.
શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે આસિત મોદી તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા અને તેમની સાથે ખોટા ટોનમાં વાત કરતા હતા. તેમના માટે તેના સ્વાભિમાનની રક્ષા કરવી જરૂરી બની ગઈ તેથી તેમણે આ શો છોડી દીધો. શૈલેષ લોઢાએ એમ પણ કહ્યું હતું કે અસિત મોદી અન્ય કલાકારો સાથે જાણે તેમના નોકર હોય તેવી રીતે વાત કરતા હતા.
આ પહેલાં શૈલેષ લોઢાએ નિર્માતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે શો છોડ્યા બાદ બાકી ફી ચૂકવી નથી. તેણે મેકર્સ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો, જે બાદ કોર્ટે મેકર્સને બાકી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેનિફર મિસ્ત્રીએ પણ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી.