ISROની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર
કહ્યું કે કેટલાક ગ્રહો પર વાતાવરણ હોવાની માહિતી છે અને આ ગ્રહો માનવીના વસવાટને અનુકૂળ હશે તેવું મનાઈ રહ્યું છે
ચંદ્રયાન-3 (chandrayaan 3) મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISRO)ની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે. ઈસરોના વડા એસ. સોમનાથે (ISRO Chief S Somnath)જણાવ્યું હતું કે ઇસરોએ બાહ્ય ગ્રહોના રહસ્યોને જાણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાંથી કેટલાક ગ્રહો પર વાતાવરણ હોવાની માહિતી છે અને આ ગ્રહો માનવીના વસવાટને અનુકૂળ હશે તેવું મનાઈ રહ્યું છે.
ક્યારે થઈ શકે છે નવું મિશન?
ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA)ના એક કાર્યક્રમને સંબોધતાં સોમનાથે જણાવ્યું હતું કે સ્પેસ એજન્સી શુક્ર (venus mission by ISRO)ના અભ્યાસ માટે એક મિશન મોકલવાની અને અંતરિક્ષના ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, એક્સપોસેટ અથવા એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ (Polarimeter satellite) આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનો છે. આ ઉપગ્રહ એવા તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે લુપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે.
સૌરમંડળની બહાર 5000થી વધુ ગ્રહો?
અમે એક્ઝોવર્લ્ડ નામના ઉપગ્રહ પર પણ વિચારણા કરી રહ્યા છીએ જે સૌરમંડળની બહારના ગ્રહો અને અન્ય તારાઓની પરિક્રમા કરતા ગ્રહોનો અભ્યાસ કરશે.તેમણે કહ્યું કે સૌરમંડળની બહાર 5,000 થી વધુ ગ્રહો છે, જેમાંથી ઓછામાં ઓછા 100 પર વાતાવરણ હાજરી હોવાનું મનાય છે. એક્સો વર્લ્ડસ (Exoworlds) મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે મંગળ પર અવકાશયાન ઉતારવાની પણ યોજના છે.
ભારતમાં રોકેટમાં વપરાતા 95 ટકા પાર્ટ્સ સ્વદેશી
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (Council of Scientific and Industrial Research-CSIR) ના 82માં સ્થાપના દિવસની ઉજવણીમાં ISROના વડા સોમનાથે જણાવ્યું હતું કે ભારતમાં રોકેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લગભગ 95 ટકા પાર્ટ્સ સ્થાનિક સ્તરે નિર્મિત છે. રોકેટ અને સેટેલાઇટના વિકાસ સહિત તમામ ટેકનિકલ કામ દેશમાં જ થાય છે.