રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આવતીકાલે 11મી આંતરરાષ્ટ્રીય અને ચોથી વન-ડે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. આ પછી આજે સવારે વિરાટ કોહલી રાજકોટ આવી પહોંચ્યો હતો. કાલાવડ રોડ પર સયાજી હોટેલમાં બૂકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલીએ હોટલના પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં રોકાણ કર્યું છે. વિરાટ કોહલી વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીને જોવા માટે હોટલ બહાર લોકોની ભીડ ઊમટી હતી.
ગઈકાલે આવેલા ભારતીય ખેલાડીઓનું રેડકાર્પેટ પર ગુજરાતીઓની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
શું છે પ્રેસિડેન્શિયલ સ્યૂટની વિશેષતા?
વિરાટ કોહલીએ સયાજી હોટલના રૂમ નંબર 801માં રોકાણ કર્યું છે. આ પ્રેસિડેન્શિયલ સ્યૂટ છે. પ્રેસિડેન્શિયલ સ્યૂટની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, મિટિંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની વિશેષતાઓ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોટલનો દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવામાં આવ્યો છે, જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે
રાજકોટનું મેદાન કોહલી માટે બેસ્ટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મેદાન પર રમાયેલી 3 વન-ડે મેચના ટોપ ટેન બેટ્સમેનમાં પાંચ ભારતીય ખેલાડીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને એમ.એસ. ધોનીનો સમાવેશ થાય છે. જે પૈકીના 3 ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ. રાહુલનો સમાવેશ હાલની ટીમમાં થાય છે. અહીંના વન-ડે ટોપ સ્કોરર તરીકે વિરાટ કોહલીનું નામ આવે છે. તેણે 3 મેચમાં બે અર્ધસદી ફટકારી 12 ચોગ્ગાની મદદથી 170 રન બનાવ્યા છે.