ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યા બાદ હવે કેનેડિયન સરકાર બોલી હિન્દુઓના હિતમાં, કહ્યું દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી
- ભારત-કેનેડા વિવાદ વચ્ચે હવે મોટા સમાચાર
- આખરે હિન્દુના હિતમાં બોલી કેનેડા સરકાર
- દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી: કેનેડા
Canada–India relations : ભારત-કેનેડા વિવાદ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું. જે બાદમાં હિંદુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ પણ કહ્યું કે, આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
કેનેડિયન સરકારે શું કહ્યું ?
સમગ્ર મામલે હવે કેનેડીયન સરકારનું નિવેદન સામે આવ્યું છે. કેનેડા સરકારે કહ્યું કે, દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. જે વીડિયોમાં હિંદુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ-ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ક્રિયા, નફરત, ડર અથવા ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી.
આ સાથે કેનેડાની સરકારે કર્યું કે, અમે કેનેડાને વિભાજીત કરતા કોઈપણ અભિપ્રાયને સમર્થન આપતા નથી. અમે દરેક કેનેડિયન નાગરિકને એકબીજાનું સન્માન કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરીએ છીએ, દરેક કેનેડિયન નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, આ વર્ષે જૂન મહિનામાં સરે શહેરના ગુરુદ્વારા પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની બે બાઇક સવારોએ હત્યા કરી હતી. આ હત્યાકાંડના ત્રણ મહિના પછી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, તે હત્યાકાંડમાં ભારતીય એજન્સીઓની સંડોવણી વિશેની માહિતી પ્રકાશમાં આવી રહી છે. એક રીતે તેમણે ભારત સરકારને ભીંસમાં મૂકી દીધી છે. એટલું જ નહીં કેનેડાની સંસદમાં એક ભારતીય રાજદ્વારીના નિવેદન બાદ તેને કેનેડા છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કેનેડા સરકારના આ આદેશ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હરદીપ સિંહ નિજ્જર કેસમાં ભારતીય એજન્સીની સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. આટલું જ નહીં કેનેડાના રાજદૂતને બોલાવીને રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.