ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
હજી પણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની પાસેથી હવે વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે અને તેની અસરને કારણે રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી બે દિવસ સુધી ભારેથી અતિભારે અને ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પૂરની પરિસ્થિતિને કારણે 12 હજારથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.
ગુજરાતના કયા જિલ્લામાં હજી બે દિવસ અતિભારે વરસાદની આગાહી?
હાલ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની નજીક રાજસ્થાન પરથી પસાર થઈ રહી છે. આ સિસ્ટમને કારણે પ્રથમ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો.
જે બાદ સિસ્ટમ આગળ વધતાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો અને હવે કચ્છમાં ભારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 19 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
જ્યારે સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં મધ્યમ તથા કોઈ સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
આજથી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાનું શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજથી વરસાદનું જોર વધે તેવી સંભાવના છે.
ગુજરાત પર સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી થશે?
હાલ રાજસ્થાન પર રહેલી સિસ્ટમ કચ્છની આસપાસથી થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને તેની અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પર ચાલુ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહેવાની શક્યતા છે.
રાજ્યમાં 22 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે અને તે બાદ કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી.
કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના છે અને તે બાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધી જતાં વરસાદનું જોર ઘટવાની સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં સોમવારના રોજ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં 12000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા