સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારિયા ગામે 23 વર્ષની એક યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તપાસ બાદ જ્યારે હકીકત સામે આવી તો પોલીસ પણ ચોંકી ઊઠી, કારણકે આ યુવતીની હત્યા તેના સગા ભાઈએ જ કરી હતી, પરંતુ જેલ જવાથી બચવા માટે તેણે એવું તરકટ રચ્યું, જેના કારણે પોલીસ જ નહીં, પરિવારના લોકોને પણ શરૂઆતમાં અંદાજો ન આવ્યો કે તેમની દીકરીનો હત્યારો ઘરમાં જ છે.
આ હત્યાકાંડમાં માત્ર 45 કલાકમાં એક બાદ એક નવા વળાંક આવતા જ રહ્યા હતા. આ કેસની તપાસ અધિકારી PSI બી.કે.મારુડાએ દિવ્ય ભાસ્કર સમક્ષ હત્યાના ઘટનાક્રમથી લઈને એની પાછળનાં કારણો અને ઘરનો જ સભ્ય ઘાતકી બન્યો હોવાનો ઘટસ્ફોટ કેવી રીતે થયો એ અંગે જાણકારી આપી હતી.
23 વર્ષની વનિતા અને કાકાનું પ્રેમપ્રકરણ
PSI મારુડાએ આપેલી માહિતી મુજબ, ‘સુરેન્દ્રગર જિલ્લામાં આવેલા કટારિયા ગામમાં રમેશભાઈ દુલેરાનો પરિવાર રહે છે. તેમને સંતાનમાં બે દીકરા તથા ત્રણ દીકરી હતાં. સૌથી મોટી દીકરીનું નામ વનિતા હતું. તેનાથી નાનો ભાઈ દીપક અને આ સિવાય અન્ય બે દીકરી અને એક દીકરો છે. રમેશભાઈના ઘરની બાજુમાં જ તેમના કૌટુંબિક કાકા રહે છે. જેમનાં આઠ સંતાનોમાં સૌથી મોટો દીકરો વિવેક છે. આમ તો કૌટુંબિક સંબંધોમાં વિવેક મૃતક વનિતાના કાકા થાય, પરંતુ કેટલાક સમયથી બન્ને વચ્ચે વર્ષ 2020થી પ્રેમસંબંધ હતો. વનિતાની હત્યા થવા પાછળ પણ પ્રેમપ્રકરણ જ કારણભૂત છે.’
15 સપ્ટેમ્બર, 2023
રાતના 11 વાગ્યાનો સમય
‘દીપક અને તેના પિતા પોતાના નવા ઘરમાં સૂતા હતા. ત્યાંથી પાણી પીવા માટે દીપક ફળિયામાંથી ચાલતો પોતાના જૂના ઘરમાં આવ્યો. દીપકે ફ્રિજમાંથી પાણી પીતાં-પીતાં જોયું કે તેની બેન ગોદડું ઓઢીને સૂતી હતી, એટલે તેને શંકા ગઈ કે અત્યારે આટલી ઠંડી નથી તો વનિતા શા માટે ગોદડું ઓઢીને ઊંઘે છે? પછી તેણે મોબાઇલનો પ્રકાશ જોયો એટલે વનિતા કોઈની સાથે ફોન પર વાત કરી હોય એમ દીપકને લાગ્યું હતું. એટલે દીપકે એકદમ ગોદડું ખેંચી લીધું અને બહેન વનિતાનો ફોન તપાસ્યો તો ચોંકી ઊઠ્યો. વનિતા તેના કૌટુંબિક કાકા સાથે વ્હોટ્સએપથી ચેટિંગ કરી રહી હતી. વાતચીત વાંચીને દીપક સમજી ગયો કે કાકા(વિવેક) અને ભત્રીજી વચ્ચે પ્રેમપ્રકરણ હજુ પણ ચાલી રહ્યું છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી હતી.’
સગી બહેનને ભાઈએ બેરહેમીથી માર માર્યો
‘દીપકે મોબાઇલ ચકાસ્યા બાદ વનિતાને પૂછ્યું કે આ બધું શું છે? તને આવું શોભે ખરું? દીપકના આવા સવાલોનો વનિતાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. એટલે બન્ને ભાઈ-બહેન વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. દીપકે કહ્યું હતું કે વિવેકકાકા આપણા સંબંધી થાય છે. તને વારંવાર સમજાવી છે કે વિવેક સાથે આવા સંબંધો રખાય નહીં. જો તું આવા સંબંધ રાખીશ તો સમાજમાં આપણી બદનામી થશે. છતાંય વનિતાને જાણે કે કોઈ જ ફરક ન પડતો હોય એમ વર્તન કરવા લાગી હતી, જેથી દીપક ગુસ્સામાં આવી ગયો હતો. તેણે પોતાના બેલ્ટથી બહેન વનિતાને આડેધડ મારવાનું ચાલુ કર્યું હતું., એટલે વનિતાએ બૂમો પાડવાની શરૂ કરી દીધી. દીપકે લાગ્યું કે અવાજ બહાર જશે તો આ પ્રકરણ ખૂબ લાંબું થશે અને બદનામી થશે. એટલે તેણે વનિતાનું મોઢું દબાવી દીધું અને બીજા હાથથી લાફા મારવા લાગ્યો.’
દીપકે માથામાં સળિયો માર્યો અને વનિતા ઢળી પડી
‘આ દરમિયાન ભાઈની ચૂંગાલમાંથી છૂટવા માટે વનિતાએ તેને ધક્કો માર્યો એટલે દીપક થોડે દૂર જતો રહ્યો હતો. આ જ સમયે દીપકના હાથમાં કોઈક રીતે સળિયો આવી ગયો હતો. રોષે ભરાયેલા દીપકે કાંઈ વધારે વિચાર્યા વગર વનિતાના માથામાં ઘા કરી દીધો. માથામાં સળિયાના ઘા વાગતાં જ વનિતા નીચે પડી ગઈ. હવે તેનું હલન-ચલન બંધ થઈ ગયું હતું. દીપકને લાગ્યું કે માથામાં સળિયો વાગવાથી તેની બહેન વનિતા મરી ગઈ છે, એટલે હવે આ ઘટનામાં તેનું નામ કેવી રીતે ન આવે એ દિશામાં તેણે પ્રયાસો શરૂ કર્યા. થોડું વિચાર્યા બાદ દીપકે એક પ્લાન ઘડ્યો અને એ મુજબ તેણે કામ શરૂ કરી દીધું. જોકે હકીકત એ હતી કે વનિતાનો જીવ હજુ નહોતો ગયો.’
અડધી રાત્રે બહેનને બાઇક પર બાંધી દીપક ઘરેથી નીકળ્યો
‘સગી બહેનને મૃત માની ચૂકેલા દીપકે અડધી રાત્રે જ તેની વનિતાને ઊંચકીને પોતાની મોટરસાઇકલ પર બેસાડી મૂકી દીધી. ત્યાર બાદ વનિતા પડી ન જાય એ માટે તેના બન્ને હાથ ચૂંદડીથી બાંદી દીધા અને ત્યાર બાદ એ જ ચૂંદડીને પોતાની કમર સાથે બાંધી દીધી હતી. હવે વનિતાની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે દીપક પોતાના ગામ કટારિયાથી નીકળ્યો હતો. લગભગ ઘરેથી સાત કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પાલિસના ગામના પાટિયા પાસે હાઇવે પર તેણે મોટરસાઇકલ ઊભી રાખી હતી. તેણે જોયું કે અડધી રાત્રે કોઈ વાહન નથી આવી રહ્યું, એટલે બહેનને હાઇવે પર જ ફેંકી દીધી હતી, જેથી કોઈ વાહન પૂરપાટ ઝડપે આવે અને વનિતા પર ફરી વળે તો કોઈને પણ એવું જ લાગે કે વનિતા વાહન અકસ્માતમાં મરી ગઈ.’
હાઇવે પાસે સંતાઈને દીપક બહેનના અકસ્માતની રાહ જોતો રહ્યો
‘બહેનને રસ્તા પર ફેંકી દીધા બાદ પણ દીપકનું પ્લાનિંગ પૂરું નહોતું થયું. એટલે તે થોડેક દૂર જઈને હાઇવે પાસેના રસ્તા પર મોટરસાઇકલ બંધ કરીને અંધારામાં ચૂપચાપ ઊભો રહી ગયો. દીપક રાહ જોતો હતો કે હમણા કોઈ વાહન આવશે અને વનિતા પર ફરી વળશે. ત્યાર પછી પ્લાનિંગ મુજબ દીપક પોતાના ષડયંત્રનો બીજો ભાગ ભજવવાનો હતો. એ પોતાના બચાવમાં એક મનઘડત ઘટનાક્રમ કહેવાનો હતો.’
દીપકે પોતે જ ફોન કરીને 108ને કેમ બોલાવી?
‘થોડા જ સમયમાં એક વાહન હાઇવે પર આવે છે. દીપક એકદમ એલર્ટ થઈ ગયો, પરંતુ અચાનક જ એવી ઘટનાક્રમ બન્યો, જેની દીપકને જરા પણ કલ્પના ન હતી. પેલા ડ્રાઇવરે જોયું કે રસ્તામાં કોઈ યુવતી પડી છે, એટલે ડ્રાઇવરે પોતાનું વાહન રોકી દીધું અને નીચે ઊતરીને વનિતા પાસે ગયો હતો. આ દૃશ્ય જોઈ રહેલા દીપકને લાગ્યું કે જો આ શખસ કંઈક કરશે તો તેની પોલ ખૂલી જશે, એટલે તે દોડીને વનિતા પાસે ગયો અને તરત જ ત્યાં ઊભા-ઊભા પોતે જ ફોન કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી.’
‘દીપકે રાતના 1 વાગીને 8 મિનિટે 108 એમ્બ્યુલન્સ માટે કરેલા ફોનમાં કહ્યું હતું કે રોડ પર મારી બહેનનો અકસ્માત થયો છે. તમે જલદી એમ્બ્યુલન્સ લઈને આવો.’
‘થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ આવી એટલે 108ના કર્મચારીઓ અને દીપકે વનિતાને એમ્બ્યુલન્સમાં મૂકી, પરંતુ ત્યાર બાદ પોતે એમ્બ્યુલન્સમાં ન બેઠો અને એમ્બ્યુલન્સની પાછળ-પાછળ હોસ્પિટલ પણ ન ગયો. દીપક ઘટનાસ્થળેથી સીધો જ મોટરસાઇકલ લઈને પોતાના ગામ કટારિયા પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને દીપકે અડધી રાત્રે ઘર-કુટુંબના બધા લોકોને ઉઠાડ્યા હતા. હાઇવે પર ફેંકી દીધા બાદ વનિતા અજાણ્યા વાહનની અડફેટે નહોતી આવી એટલે દીપકે હવે પરિવારના લોકોને નવી વાર્તા સંભળાવી.’
પરિવારના લોકોને દીપકે શું કહ્યું?
‘પોતાના પ્લાનિંગ પ્રમાણે દીપકે તેનાં પરિવારજનોને કહ્યું, વનિતાને થોડા સમય પહેલાં પેટમાં દુખાવો ઊપડ્યો હતો,. એટલે તેણે મને જાણ કરી હતી. ત્યાર બાદ તેની સારવાર માટે હું બાઈક પર બેસાડીને રાત્રે જ લીંબડી લઈ જઈ રહ્યો હતો. ત્યારે ચાલુ બાઇકે જ વનિતા નીચે પડી ગઈ હતી. તેને માથાના ભાગે વાગ્યું હતું. એટલે મેં એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાને મોકલી છે. વનિતાને સારવાર માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ લઈ ગયા છે.’
‘દીપકની વાત સાંભળ્યા બાદ પરિવારના લોકો પણ તાત્કાલિક લીંબડીની સરકારી હૉસ્પિટલે પહોંચ્યા હતા, પરંતુ વનિતાની હાલત એકદમ નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હૉસ્પિટલે લઈ જવામાં આવી હતી. પછી પરિવારના સભ્યો તેને સુરેન્દ્રનગર હૉસ્પિટલે લઈ ગયા હતા છતાં વનિતાની તબિયતમાં કોઈ સુધારો ન લાગતાં ડૉક્ટરે કહ્યું, વનિતાનું ઓપરેશન કરવું પડશે. એટલે દીપકે પોતાની પાસે રૂપિયા ન હોવાનું અને સારવાર માટે બહેનને અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાનું કારણ ધર્યું હતું.’
અમદાવાદ પહોંચે એ પહેલાં જ વનિતાના ધબકારા બંધ થઈ ગયા
‘ગંભીર રીતે ઘાયલ વનિતાને વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સ મારફત દીપક અને તેના બીજા સંબંધીઓ સુરેન્દ્રનગરથી અમદાવાદ લઈ જવા નીકળ્યા હતા. 15 સપ્ટેમ્બરે સવારે સાડાઆઠ વાગ્યાની આલપા એમ્બ્યુલન્સ લખતર નજીક છારદ ગામ પાસે પહોંચી એટલામાં તો વનિતાના ધબકારા બંધ થઈ ગયા હતા, જેથી એમ્બ્યુલન્સ સાથે આવેલા આરોગ્યકર્મીએ ચકાસણી કરી. ત્યાર બાદ એમ્બ્યુલન્સને હવે નજીકના દવાખાને લઈ જવા માટે કહ્યું હતું. એટલે વનિતાને લઈને લખતર સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે વનિતાને મૃત જાહેર કરી હતી. વનિતાના મૃત્યુ પણ બાદ પરિવારના લોકો જાણતા ન હતા કે દીકરીના મોતનું સાચું કારણ શું છે. વનિતાનું લખતરની સરકારી હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી તરફ લખતરના સરકારી દવાખાને સ્થાનિક પોલીસ પહોંચી હતી, એટલે હવે દીપકના ધબકારા વધી ગયા. તેને પોતાનું ષડયંત્ર છતું થઈ જવાનો ડર લાગ્યો હતો.’
દીપકે મા-બાપને કહ્યું, મેં જ બહેનની હત્યા કરી છે
‘પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો વનિતાનો મૃતદેહ લઈને વતન કટારિયા જઈ રહ્યાં હતાં. ત્યારે અંદરથી ભાંગી પડેલા દીપકે તેનાં માતા-પિતાને આગલી રાત્રે બનેલી આખી ઘટના મુદ્દાસર જણાવી દીધી. દીપકે કહ્યું, વનિતાને પેટમાં દુખાવો થતાં લીમડી સારવાર માટે હું લઈ જતો હોવાની અને તેનો અકસ્માત થયો હોવાની વાત ખોટી છે. પાછલી રાત્રે 11 વાગ્યે વનિતા ફોન પર વિવેકકાકા સાથે વાતચીત કરતી હતી. એટલે એ બાબતે મારી હતી, તેની સાથે બોલાચાલી થતાં મેં સળિયો મારી દીધો હતો. દીકરાની આ કબૂલાત સાંભળીને મા-બાપ પણ ચોંકી ઊઠ્યા. ઘરે પહોંચ્યા બાદ પણ દીપકને પોલીસનો ડર લાગી રહ્યો હતો, એટલે તે બહેનની અંતિમવિધિમાં પણ હાજર નહોતો રહ્યો અને ઘરેથી નાસી છૂટ્યો હતો.’
’16મી તારીખે પરિવારને વનિતાની હત્યા થઈ હોવાની જાણ થયા બાદ બીજા દિવસે દીપકના કાકા ગોવિંદભાઈ દુલેરાએ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં દીપકે તેની બહેનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ ફરિયાદ થઈ એ સમયે દીપક ફરાર હતો. તેને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. 17મી તારીખે મોડી સાંજે દીપકને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.’
દીપકે પોલીસને આઠ મહિના જૂની ઘટના જણાવી
‘પોલીસ પૂછપરછમાં પણ 23 વર્ષના દીપકે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે કહ્યું, વિવેક અમારા કૌટુંબિક કાકા હોવાના કારણે અમારા ઘરે આવતા-જતા હતા. વનિતા સાથે તેનો વર્ષ 2020થી પ્રેમસંબંધ હોવાની અમને કેટલાક મહિના પહેલાં જ જાણકારી મળી હતી. એ બન્નેએ ગયા વર્ષે 20 ડિસેમ્બર 2022ના રોજ ભાગીને લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. આ બાબતની જાણ અમારાં બન્નેનાં પરિવારજનોને થતાં વિવેકને સુરત ખાતે તેના પિતાના મોસાળમાં મોકલી દેવામાં આવ્યો હતો. એ વખતે બન્ને પરિવારો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.’
‘લગભગ છેલ્લા બે મહિના પહેલાં વિવેક પાછો કટારિયા ગામમાં આવ્યો હતો, એટલે ફરીથી વિવેક અને વનિતા વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થઈ ગયું હતું. પરિવારજનોએ વનિતા તથા વિવેકને મોબાઇલ પર વાતો કરતાં તથા વ્હોટ્સએપ પર ચેટ કરતાં અનેકવાર પકડ્યાં હતાં. બન્નેને ઘરના વડીલોએ સમજાવ્યા પણ હતા છતાં પણ બન્નેએ પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો.’
પોલીસને કયા-કયા પુરાવા મળ્યા?
પોલીસે દીપકની પૂછપરછ કર્યા બાદ તેને સાથે રાખીને આખી ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો એ જાણવા માટે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દીપકે જે બેલ્ટથી તેની બહેન વનિતાને માર માર્યો હતો, જે સળિયાથી માથામાં હુમલો કર્યો હતો, જે દુપટ્ટાથી વનિતાને બાંધી હતી એ તમામ પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત પોલીસે વનિતાના પ્રેમી અને કૌટુંબિક કાકા વિવેકની પણ પૂછપરછ કરીને કેસ સંબંધિત જાણકારી મેળવી હતી.
આમ, એક અશોભનીય સંબંધોથી શરૂ થયેલી આ કહાનીમાં પરિવારની એક દીકરીનો જીવ ગયો, દીકરો જેલ હવાલે થઈ ગયો. જ્યારે કૌટુંબિક કાકા વિવેકના કારણે બે પરિવારો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.