આવનારા દિવસોમાં ગુજરાત બે મોટી મેગા ઇવેન્ટની સાક્ષી બનશે. ક્રિકેટનો મહાકુંભ એવો વર્લ્ડ કપ અને દુનિયાનો સૌથી લાંબો તહેવાર એવો નવરાત્રિ. આ બંને મેગા ઇવેન્ટમાં દુનિયાભરમાંથી લોકો અમદાવાદના આંગણે આવશે. ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઇને જ્યારે ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ધમકી આપી છે. ત્યારે સુરક્ષાને લઇને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં યોજાનારી બે મેગા ઇવેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપ અને નવરાત્રિને લઇને સુરક્ષાની જવાબદારી અમદાવાદની 7 મહિલા DCPના શિરે રહેશે.
આ મહિલા અધિકારીઓના નામથી ગુનેગારો થરથર ધ્રૂજે છે
સ્વભાવે અને હ્રદયે કોમળ, પ્રેમાળ એવી આ મહિલા અધિકારીઓએ તેમના કેરિયર દરમિયાન અનેક ખુંખાર ગુનેગારોને તેમના વિસ્તારમાંથી જ ઉઠાવી લીધા છે. આ એ મહિલા અધિકારીઓ છે કે જેમના નામ માત્રથી જ ભલભલા ખુંખાર ગુનેગારો થરથર કાપે છે. આગામી દિવસોમાં જ્યારે દુનિયાની બે મેગા ઇવેન્ટ અમદાવાદના આંગણે યોજાશે ત્યારે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદના મહેમાન બનશે. ત્યારે આ મહેમાનોને કોઇ તકલીફ ન પડે, મેગા ઇવેન્ટનું આયોજન સારી રીતે થઇ જાય અને શહેરમાં કાયદો-વ્યવસ્થા પણ જણવાઇ રહે તે તમામ જવાબદારી આ જાંબાઝ મહિલા અધિકારીઓ નિભાવશે.
મહિલા અધિકારીનો પરિચય અને તેમની જવાબદારી
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં લવિના સિન્હાનું DCP તરીકે પોસ્ટિંગ છે. તેઓ સ્વભાવે શાંત છે પરંતુ ફિલ્ડમાં ખૂબજ કડક છે અને કોઈપણ બાબત નહીં ચલાવી લેવા માટે તેઓ જાણીતા છે. આ વખતે અમદાવાદમાં તેમના ઝોનની અંદર નવરાત્રિના મોટા આયોજન છે. ત્યારબાદ તેમના જ વિસ્તારમાં ક્રિકેટ ટીમ પણ રોકાવાની છે. પોતાની કામગીરી નિષ્ઠાથી નિભાવનાર આ મહિલા અધિકારીના શિરે આ વખતે બેવડી જવાબદારી છે. પોતાની કામગીરી વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે પોલીસની નોકરી દરમિયાન અનેક ચેલેન્જ આવે છે. આ વખતે બે મોટી ઇવેન્ટ એક સાથે છે. વર્લ્ડ કપ અને નવરાત્રિ. વર્લ્ડ કપમાં મને જે જવાબદારી અપાશે તેને હું નિભાવીશ. તથા નવરાત્રિમાં અમારી હદના વિસ્તારમાં અનેક ગરબા આયોજનો થાય છે. ત્યાં સતત બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરીશું. બંને ઇવેન્ટમાં ભીડ કાબૂ કરવાની ચેલેન્જ છે જે અમે પૂરી કરીશું.
ગુજરાત કેડરના આ મહિલા અધિકારી અગાઉ અનેક ચેલેન્જીંગ કામ કરી ચૂક્યા છે. તેઓ હાલ અમદાવાદ ઝોન-4 વિસ્તારના DCP છે. જેમાં VIP મોમેન્ટથી લઇને સંવેદનશીલ વિસ્તાર પણ આવે છે. તેમણે આ તમામ પર કંટ્રોલ માટે આખી અલાયદી વ્યવસ્થા બનાવી છે. ડૉ.કાનન દેસાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે દરેકને સુરક્ષા મળે અને શાંતિથી રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પોલીસ વિભાગની હોય છે. ત્યારે આ વખતે અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને ક્રિકેટ જેવી મેગા ઇવેન્ટ છે. જે દરમિયાન પણ અમારી પાસે કેટલીક ખાસ જવાબદારી છે. અમે આવનારા સમયમાં નવરાત્રિમાં ડુ એન્ડ ડોન્ટ્સ બાબતે કેમ્પેઇન કરવાના છીએ. આ સાથે મેચ દરમિયાન પણ રસ્તા પર કોઇ ક્રાઉડને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરી છે
અમદાવાદના અતિ સંવેદનશીલ ગણાતા અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં મહત્વના પોલીસ સ્ટેશન જે ઝોનમાં આવે છે તે ઝોન-3ના DCP વિશાખા ડબરાલ હાલ મહત્વની જગ્યા પર નિમણૂક થયા છે. તેમને તાજેતરમાં જ અમદાવાદમાં નીકળેલી રથયાત્રા દરમિયાન અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર જેવા સ્થળે જવાબદારી નિભાવી હતી. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું એક પોલીસ અધિકારી છું, મહિલા એ હવે ગૌણ વાત છે. અમદાવાદ શહેરમાં બે મેગા ઇવેન્ટ થવા જઈ રહી છે. જેમાં નવરાત્રિ અને વર્લ્ડ કપ ક્રિકેટની મેચ છે. સામાન્ય રીતે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ તેમજ મેચ જોવા આવનાર વ્યક્તિ કે નવરાત્રિની મજા માણીને જતા તમામ લોકોને સહેજ પણ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી અમદાવાદ પોલીસની છે. અને તેનો હું એક ભાગ છું. મારા તરફથી કોઈપણ કચાસ ન રહે તે માટે તમામ પ્રયાસ કરીશ અને અમારા સિનિયર અધિકારીઓ દ્વારા પણ સતત માર્ગદર્શન મળતુ રહે છે. ગુજરાત માટે ગૌરવ સમાન એવી આ બે મેગા ઇવેન્ટમાં અમદાવાદ પોલીસ પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવી આ બંને મેગા ઇવેન્ટને સફળ બનાવશે.
અમદાવાદ શહેરમાં સામાન્ય દિવસોમાં ખૂબજ ટ્રાફિક રહેતો હોય છે. અને તહેવારો અને કોઇ મોટા આયોજન દરમિયાન તો ટ્રાફિકમાં ભારે સમસ્યા સર્જાતી હોય છે. કોઇ પણ શહેરમાં એક જ દિવસે એક જ સમયે જ્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો નીકળી પડે ત્યારે ચોક્કસથી ટ્રાફિક જામ થાય જ. અને કોઇ પણ પોલીસ વિભાગ અને ગમે તેટલા પોલીસ જવાનો હોય પરંતુ આ સમસ્યાથી છૂટકારો મેળવવો લગભગ અશક્ય છે. ત્યારે વર્લ્ડ કપ અને નવરાત્રિ દરમિયાન આ ચેલેન્જીંગ કામગીરી ટ્રાફિક DCP નીતા દેસાઈના શિરે રહેશે. પોતાને મળેલી જવાબદારી અંગે માહિતી આપતા ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે અમારી માટે ટ્રાફિક ચેલેન્જ છે પરંતુ અમે પ્લાનિંગ સાથે તેને મેનેજ કરીશું. અમે નવરાત્રિ અને વર્લ્ડ કપની મેચ દરમિયાન સ્ટેન્ડ બાય રહીશું
પોલીસ હેડક્વાર્ટરમાં DCP તરીકે ફરજ બજાવતા બન્નો જોશી પણ અમદાવાદમાં બે મેગા ઇવેન્ટ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી નિભાવશે. બન્નો જોશી 2014 બેચના GPS અધિકારી છે. તેમણે ભૂતકાળમાં રાજકોટ સેન્ટ્રલ જેલના વડા તરીકેની મહત્વપૂર્ણ કામગીરી નિભાવી ચૂક્યા છે. DYSPમાં પાસ થતા તેમણે ગાંધીનગર કરાઇ ખાતે એક વર્ષની ગ્રાઉન્ડ તાલીમ, 3 માસની કમાન્ડો તાલીમ અને એક વર્ષની ફિલ્ડ તાલીમ લેવાની હોય છે. આ તાલીમ શરૂ થાય તે પહેલા મહિલા અધિકારીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એક વર્ષની ગ્રાઉન્ડ તાલીમ વખતે તેમનો પુત્ર 6 માસનો હતો. આથી વિશેષ મંજૂરી મેળવી તેને સાથે રાખીને બન્નો જોશીએ ગ્રાઉન્ડ તાલીમ મેળવી હતી. 6 માસના પુત્ર સાથે તાલીમ ઘણી ટફ પડે છે પણ હિંમત હાર્યા વગર બન્નો જોશીએ તાલીમ પૂર્ણ કરી હતી
EOW ક્રાઈમ બ્રાન્ચના DCP ભારતી પંડ્યાએ મેગા ઇવેન્ટ દરમિયાન પોતાની કામગીરી વિશે જણાવ્યું કે હું એક મહિલા અધિકારી તરીકે નહીં પરંતુ એક પોલીસ અધિકારી તરીકે જ પોતાની જાતને જોવું છું. બંને ઇવેન્ટ માટે કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે અમે સજ્જ છીએ