કાળી ગરનાળાથી પ્રબોધ રાવલ ફ્લાયઓવર સુધી ડ્રેનેજનું કામ પૂરું થયાનો મ્યુનિ.નો દાવો, હકીકતમાં પ્રોજેક્ટ હજુ શરૂ જ નથી થયો
અમદાવાદથી જૈનુલ અંસારી અને વિવેકસિંહ રાજપૂતનો એક્સક્લુઝિવ રિપોર્ટ
વર્ષ 2016માં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ શહેરની પસંદગી કરાઈ હતી. કુલ 70 પ્રોજેક્ટ સ્માર્ટ સિટી હેઠળ હતા અને તેની પાછળ કુલ રૂ. 3309.89 કરોડ ખર્ચવાના છે. તેમાંથી 2511.3 કરોડના 67 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે 792.59 કરોડના ત્રણ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ માહિતી રાજ્યસભાના ચોમાસુ સત્ર દરમિયાન શહેરી વિકાસ મંત્રાલયે આપી હતી. જોકે સ્માર્ટ સિટીના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી મુજબ, જે 70 પ્રોજેક્ટ છે, તેમાંથી 6 રદ કરાયા છે, કારણ કે સમય પૂર્ણ થઈ જતા ટેન્ડર રિન્યુ કરાયા નથી અને જે તે વિભાગને સોંપી દેવાયા છે.
સ્માર્ટ ટોઇલેટ, સ્માર્ટ પાર્કિંગ, સિટી કાર્ડ પેમેન્ટ સિસ્ટમ (જનમિત્ર કાર્ડ), પબ્લિક એડ્રેસલ સહિતની સિસ્ટમ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિકસાવાઈ હતી. જોકે તેમાં કોર્પોરેશનને સફળતા મળી નથી. ઉપરાંત જૂના વાડજના રામાપીર ટેકરાના સ્લમ વિસ્તારમાં રિડેવલપમેન્ટ કરવાનું આયોજન હતું. તેમાં કુલ 6 સેક્ટર છે. શરૂઆતમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પીપીપી ધોરણે આ પ્રોજેક્ટ થવાનો હતો. જોકે પાંચમું સેક્ટર જ સ્માર્ટ સિટીનો ભાગ છે. જ્યારે બાકીના 5 સેક્ટરને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી પડતા મુકાયા છે. કેન્દ્રને મોકલેલા પ્રેઝન્ટેશનમાં મ્યુનિ.એ કાળી ગરનાળાથી પ્રબોધ રાવલ ફ્લાયઓવર સુધીની ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે ડ્રેનેજ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ હજુ શરૂ જ થયો નથી.
સ્માર્ટ સિટી મિશન હેઠળ રામાપીર ટેકરાનું રિડેવલપમેન્ટ છ તબક્કામાં કરવાનું હતું પણ પાંચ તબક્કા પડતા મુકવામાં આવ્યા
સ્માર્ટ ટોઇલેટ | 120 બનાવાનાં હતાં, તૈયાર થયાં 30
સૌથી પહેલાં 120 સ્માર્ટ શૌચાલય બનાવવાનું આયોજન હતું. જોકે તેને ધારી સફળતા મળી નથી. તેના પછી તેની સંખ્યા ઘટાડી 60 કરાઈ છે અને હવે ફરી તેમાં ઘટાડો કરી સંખ્યા 30 કરી દેવાઈ છે. જોકે કેટલાંક ટોઇલેટ બંધ છે. સ્માર્ટ ટોઇલેટ બહાર જાહેરાતો લઈ પીપીપી ધોરણે કંપનીઓ પાસેથી આવક રળી શકાય છે, પરંતુ કંપનીઓ તેમાં રસ ધરાવતી નથી.
ઈ-મેમો | 130માંથી ફક્ત 45 જંક્શન ચાલુ છતાં એવોર્ડ
અમદાવાદ સ્માર્ટ સિટીના દાવા મુજબ, શહેરનાં 130 જંક્શન પરથી ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી આ વર્ષે એવોર્ડ પણ મળ્યો છે. જોકે ટ્રાફિક પોલીસમાંથી મળેલી માહિતી મુજબ, શહેરમાં ફક્ત 45 જંક્શન પરથી જ ઈ-મેમો જનરેટ કરવામાં આવી રહ્યા છે. આ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા કોર્પોરેશનને જાણ પણ કરવામાં આવી છે.
24 કલાક પાણી | પ્રોજેક્ટ બે વોર્ડ સુધી જ સીમિત રહી ગયો
અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક પાણી આપવાની વાત હતી. તેને પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ પણ કરાયો. જોકે તેમાં સફળતા ન મળતા અત્યારે ફક્ત જોધપુર અને નિકોલ વોર્ડમાં 16 કલાક પાણી અપાઈ રહ્યું છે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ મીટર લગાવવાનાં હતાં. જોકે રાજકારણીઓની મત બેંકના કારણે આ પ્રોજેક્ટને જોધપુર, નિકોલ સુધી સીમિત રખાયો છે.
હેરિટેજ એપ | ફક્ત 25 હજાર વિઝિટર મળ્યા, તો પણ એવોર્ડ
નાગરિકોને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે જાણકારી મળી રહે તે માટે અમદાવાદ હેરિટેજ એપ્લિકેશન વિકસાવાઈ છે. તેમાં હેરિટેજ સાઇટ વિશે ગુજરાતી, અંગ્રેજી, હિંદી સહિત 5 ભાષામાં માહિતી છે. ઓડિયો સાંભળી નાગરિકો હેરિટેજ સાઇટ વિશે માહિતી મેળવી શકે છે. જોકે અધિકારીના જણાવ્યા મુજબ, એપ વિશે લોકોને જાણકારી જ નથી. અત્યાર સુધીમાં માત્ર 25 હજાર વિઝિટર મળ્યા છે. જી-20માં વિદેશી મહેમાનોને આ એપ વિશે જાણકારી અપાઈ હતી. આ એપને કેન્દ્ર સરકારનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
જનમિત્ર કાર્ડ | 4 લાખમાંથી 65થી 70 હજાર એક્ટિવ
પીપીપી ધોરણે સિટી પેમેન્ટ કાર્ડ (જનમિત્ર કાર્ડ) લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્ડ 2018ના વર્ષમાં લોન્ચ કરાયું હતું. ત્યારથી અત્યાર સુધી 4 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યાં હતાં. જોકે અત્યારે ફક્ત 65થી 70 હજાર કાર્ડ જ એક્ટિવ છે. આ કાર્ડ દ્વારા બીઆરટીએસ, એએમટીએસ, સિવિક સેન્ટરો પર પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ તથા મોલમાંથી ખરીદી કરી શકાય છે. આ એક પ્રકારનું વોલેટ કાર્ડ છે.
સ્વિંગ ગેટ|250માંથી 46 તો બંધ હાલતમાં છે
આ ઉપરાંત બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતો ઓછા થાય, બીઆરટીએસ બસ સિવાય કોઈ અન્ય વાહન કોરિડોરમાં જાય નહીં તેના માટે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે. શહેરના 125 બીઆરટીએસ બસ સ્ટેશને 250 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા છે. જોકે, તેમાંથી 46 સ્વિંગ ગેટ બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે, કોરિડોરમાં કોઈ ઘૂસી ન જાય તે માટે ગાર્ડ દોરડું લઈને ઊભા રહેતા હતા.
પબ્લિક એડ્રેસલ | 95 જંક્શન પર ધૂળ ખાઈ રહી છે
ICCC પ્રોજેક્ટ હેઠળ 95 ટ્રાફિક જંક્શન પર પબ્લિક એડ્રેસલ સિસ્ટમ લગાવાઈ છે. આ સિસ્ટમનો હેતુ જાહેરાત, સરકારી યોજના અને ઇમર્જન્સીની પરિસ્થિતિમાં ઝડપથી માહિતી આપવાનો હતો. જોકે વીએમડી પણ આ જ કામ કરે છે, તેથી તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. તેથી હાલમાં તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. આમ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો કરાઈ રહ્યો છે.