બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત પહોંચી હતી. પાકિસ્તાની ટીમના સ્વાગત માટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રિકેટ ચાહકો અને સુરક્ષા અધિકારીઓની મોટી ભીડ એકઠી થઈ હતી. ટીમ પાકિસ્તાનથી દુબઈ થઈને હૈદરાબાદ પહોંચી હતી.
7 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવી છે. આ પહેલા ટીમ T20 વર્લ્ડ કપ રમવા માટે 2016માં ભારત આવી હતી.
પાકિસ્તાન તેની પ્રથમ 2 મેચ હૈદરાબાદમાં રમશે
વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવાની છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 6 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે કરશે. બીજી મેચ પણ હૈદરાબાદમાં શ્રીલંકા સામે રમાશે.
હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ટીમની બીજી પ્રેક્ટિસ મેચ આ જ શહેરમાં 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે.
2012-13 પછી પાકિસ્તાને દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો નથી
પાકિસ્તાનની ટીમે ટીમ ઈન્ડિયા સાથે દ્વિપક્ષીય ODI અને T-20 શ્રેણી માટે 2012-13માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તે પછી બંને ટીમ દ્વિપક્ષીય શ્રેણી માટે એકબીજાનો પ્રવાસ કર્યો નથી. 25 ડિસેમ્બર 2012 અને 6 જાન્યુઆરી 2013 વચ્ચે ભારતની મુલાકાતે આવેલી પાકિસ્તાનની ટીમે ત્રણ વન-ડે અને 2 T20 મેચોની શ્રેણી રમી હતી. જોકે, પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ માટે 2016માં ભારત આવી હતી.
વર્લ્ડ કપમાં 48 મેચ રમાશે
ODI વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે યોજાશે, જેમાં 48 મેચ રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12 નવેમ્બર સુધી લીગ તબક્કાની 45 મેચ રમાશે. બે સેમિફાઈનલ 15 અને 16 નવેમ્બરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.