Wednesday, November 20, 2024
HomeGujarati Newsમોહાલીમાં ભારત 27 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે જીત્યું:આ જીત સાથે ભારત પહેલીવાર...

મોહાલીમાં ભારત 27 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે જીત્યું:આ જીત સાથે ભારત પહેલીવાર ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બન્યું

ભારતે વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટીમે 27 વર્ષ પછી કાંગારૂઓને હરાવ્યું છે. આ પહેલા ટીમની ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી જીત 1996માં થઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 5 રનથી મેચ જીતી લીધી હતી.

આ જીત સાથે ભારતીય ટીમ ODI રેન્કિંગમાં નંબર-1 પર આવી ગઈ છે. ટીમ ત્રણેય ફોર્મેટમાં પ્રથમ વખત નંબર-1ના સ્થાને પહોંચી છે. ટીમ ઈન્ડિયા પહેલીવાર એકસાથે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની છે.

મોહાલીમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ રમવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 276 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

કેપ્ટન કેએલ રાહુલે ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી
નિયમિત સુકાની રોહિત શર્માના સ્થાને આગેવાની કરી રહેલા કેએલ રાહુલે પોતાની વન-ડે કરિયરની 14મી ફિફ્ટી ફટકારી હતી. તેણે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આટલું જ નહીં રાહુલે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.

રાહુલે 63 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 92.06ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. રાહુલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

સૂર્યકુમારની ત્રીજી ફિફ્ટી
સૂર્યકુમાર યાદવે તેની વન-ડે કારકિર્દીની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે 102.04ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. સૂર્યાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ગિલની 37 બોલમાં ફિફ્ટી
ભારતીય ઓપનર શુભમન ગિલે તેની વન-ડે કારકિર્દીની નવમી ફિફ્ટી ફટકારી હતી. તેણે માત્ર 37 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ગિલે 63 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે 117.46ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ગિલની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.

ગાયકવાડ પહેલી ફિફ્ટી બનાવીને આઉટ
ઋતુરાજ ગાયકવાડ તેની વન-ડે કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. તેને એડમ ઝામ્પાએ LBW આઉટ કર્યો હતો. ગાયકવાડે 92.21ના સ્ટ્રાઈક રેટથી 77 બોલમાં 71 રન બનાવ્યા હતા.

ભારતીય ઓપનરોની 142 રનની ભાગીદારી
ભારતીય ઓપનરોએ સદીની ભાગીદારી કરીને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ગિલ-ગાયકવાડની જોડીએ 130 બોલમાં 142 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ભાગીદારી એડમ ઝામ્પાએ તોડી હતી. તેણે ગાયકવાડને આઉટ કર્યો હતો.

Mohali: Indian batters Shubman Gill and Ruturaj Gaikwad during the first ODI cricket match between India and Australia, in Mohali, Friday, Sept. 22, 2023. (PTI Photo/Kamal Kishore)(PTI09_22_2023_000371B)

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 22મી ઓવરના ચોથા બોલે એડમ ઝામ્પાની બોલિંગમાં ઋતુરાજ સ્વિપ શોટ મારવા ગયો, પણ મિસ થઈ જતા LBW આઉટ કર્યો હતો.

બીજી: 24મી ઓવરના ચોથા બોલે અય્યર અને ગિલ વચ્ચે કન્ફ્યુઝન થયું અને તેમાં અય્યર રનઆઉટ થયો હતો.

ત્રીજી: 26મી ઓવરના ત્રીજા બોલે એડમ ઝામ્પાની બોલિંગમાં શુભમન ગિલ બોલ્ડ થયો હતો.

ચોથી: 33મી ઓવરના બીજા બોલે પેટ કમિન્સે સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેને ઈશાન કિશન અપર કટ મારવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર જોશ ઈંગ્લિસે કેચ કર્યો હતો.

પાંચમી: 47મી ઓવરના ચોથા બોલે સીન અબોટે લેન્થ બોલ નાખ્યો, જેને સૂર્યાએ ફ્લિક શોટ માર્યો, બોલ મિડ વિકેટ સાઇડ ગયો, જ્યાં ઊભેલા મિચેલ માર્શે કેચ કરી લીધો હતો.

પાવરપ્લેમાં ભારતે 66 રન બનાવ્યા
277 રનના લક્ષ્યને ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે માત્ર 10 ઓવરમાં 66 રન જોડ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ…
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની ઇનિંગ રમી હતી. તો જોસ ઈંગ્લિસે 45 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

વરસાદના કારણે રમત રોકવી પડી હતી
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની માત્ર 35.4 ઓવર જ રમાઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને રમત રોકવી પડી, જો કે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ.

ડેવિડ વોર્નરની 49 બોલમાં ફિફ્ટી
ઓપનર ડેવિડ વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

વોર્નર-સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી
4 રનમાં મિચેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.

પાવરપ્લે- ઓસ્ટ્રેલિયાની એવરેજ શરૂઆત
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એવરેજ રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી. તેણે ઓપનર મિચેલ માર્શને 4 રન પર આઉટ કર્યો હતો.

રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની જોડી અંદાજે 6 વર્ષ પછી વન-ડેમાં સાથે જોવા મળશે.

આવી રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટ…

પહેલી: પહેલી ઓવરના ચોથા બોલે શમીએ ગુથ લેન્થ પર બોલ નાખ્યો, જેને માર્શ ડિફેન્ડ કરવા ગયો, પણ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ઊભેલા શુભમન ગિલે સરળ કેચ કર્યો હતો.

બીજી: 19મી ઓવરના બીજા બોલે જાડેજાએ થોડો સ્લો બોલ નાખ્યો, જેને વોર્નર સ્લોગ સ્વિપ મારવા જતા ટાઇમિંગ ના આવતા શુભમન ગિલે કેચ કર્યો હતો.

ત્રીજી: 22મી ઓવરના ત્રીજા બોલે શમીએ ગુડ લેન્થ બોલ નાખ્યો, જેને સ્ટીવ સ્મિથ સીધો શોટ રમવા ગયો, પણ એડ્જ વાગીને બોલ્ડ થયો હતો.

ચોથી: 33મી ઓવરના ચોથા બોલે અશ્વિનની બોલિંગ પર રિવર્સ સ્વિપ મારવા ગયો, પણ મિસ થઈ જતા કેએલ રાહુલના પેડ સાથે અથડાઈને સ્ટમ્પમાં વાગ્યો, જેનાથી લાબુશેન સ્ટમ્પ્ડ થયો હતો.

પાંચમી: 40મી ઓવરના ત્રીજા બોલે કેમરૂન ગ્રીન રનઆઉટ થયો હતો.

છઠ્ઠી: 47મી ઓવરના ચોથા બોલે શમીએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને સ્ટોઇનિસ સીધો શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા તે બોલ્ડ થયો હતો.

સાતમી: 48મી ઓવરના બીજા બોલે બુમરાહે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર સ્લોઅર બાઉન્સર નાખ્યો, જેને કવર પર ઊભેલા શ્રેયસ અય્યરે કેચ કરી લીધો હતો.

આઠમી: 49મી ઓવરના બીજા બોલે શમીએ લેન્થ બોલ નાખ્યો, જેને મેથ્યુ શોર્ટે ડીપ મિડ વિકેટ સાઇડ શોટ માર્યો, જ્યાં બાઉન્ડરી પર ઊભેલા સૂર્યકુમાર યાદવે સરળ કેચ કર્યો હતો.

નવમી: 49મી ઓવરના ચોથા બોલે શમીએ સીન અબોટને બોલ્ડ કર્યો હતો અને પાંચમી સફળતા મેળવી હતી.

દસમી: છેલ્લી ઓવરના છેલ્લા બોલે ત્રીજો રન પૂરો કરવામાં એડમ ઝામ્પાને જાડેજાએ રનઆઉટ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ પાંચ પ્લેયર્સનો સમાવેશ કર્યો, સિરાજ બહાર
ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થયો છે. તો એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.

વર્લ્ડ કપ પહેલા તૈયારીની છેલ્લી તક
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે તેની વર્લ્ડ કપ તૈયારીઓને અજમાવવાની છેલ્લી તક હશે. ભારતીય ટીમ આ મેદાન પર 4 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે રમશે. અહીં છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતું.

ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ કપ પહેલા ટીમના 5 સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સિરીઝની પ્રથમ 2 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલને કાંડની ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે.

હેડ ટુ હેડ
ઓસ્ટ્રેલિયન ટીમ ODI ફોર્મેટમાં હેડ ટુ હેડ આંકડામાં મજબૂત છે. બંને વચ્ચે કુલ 14 સિરીઝ રમાઈ છે જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8 અને ભારતે 6 સિરીઝ જીતી છે. બંને વચ્ચે ભારતમાં 11 સિરીઝ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 6 અને ભારતે 5માં જીત મેળવી હતી.

બંને ટીમ વચ્ચે છેલ્લી શ્રેણી આ વર્ષે માર્ચમાં ભારતમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીત મેળવી હતી. મોહાલીમાં બંને ટીમ વચ્ચે 5 વન-ડે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 4 જીતી હતી અને ભારતે માત્ર એક જ જીત મેળવી હતી. ભારતની છેલ્લી જીત 1996ની ત્રિકોણીય શ્રેણીમાં થઈ હતી.

શુભમન ગિલ આ વર્ષે ભારતનો ટોપ સ્કોરર
કેએલ રાહુલ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે ભારતની કેપ્ટનશિપ કરશે. તેની આગેવાનીમાં ભારતે અત્યાર સુધીમાં 7 વન-ડે રમી છે, જેમાં ટીમ 4માં જીતી છે અને 3માં હાર છે. મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે સૂર્યકુમાર યાદવ અને રવિચંદ્રન અશ્વિનનો બચાવ કર્યો હતો, બંને ખેલાડીઓ આજની મેચ રમશે. ઈજામાંથી પરત ફરી રહેલા શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ હશે.

શુભમન ગિલ વર્ષ 2023માં વન-ડે ક્રિકેટમાં ભારત માટે ટોપ સ્કોરર રહ્યો છે. જ્યારે કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે.

સ્ટાર્ક અને મેક્સવેલ નહીં રમે
ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 14 વર્લ્ડ કપ ખેલાડીઓ અને 6 વધારાના ખેલાડીઓ સાથે શ્રેણી રમી રહી છે. ઈજાગ્રસ્ત મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ પ્રથમ વન-ડેમાં રમી શકશે નહીં. ટીમ તેમના સ્થાને પ્લેઇંગ-11માં સ્પેન્સર જોન્સન અને માર્નસ લાબુશેનને સામેલ કરી શકે છે.

માર્નસ લાબુશેને વર્ષ 2023માં વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે એડમ ઝામ્પા સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે.

પિચ રિપોર્ટ
PCAની પિચ બેટિંગ માટે સારી છે. અહીં થોડો ઉછાળ છે, જેના કારણે ઝડપી બોલરોને પણ મદદ મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments