20 જુલાઈથી જેલમાં બંધ પ્રજ્ઞેશ પટેલે મોઢાના કેન્સરનું કારણ આપ્યું તો પણ જામીન ના મળ્યા, ત્યારે હવે તેણે હાઈકોર્ટમાં એક નવો જ દાવ ખેલ્યો છે
પ્રજ્ઞેશ અને તથ્ય બંને હાલ સાબરમતી જેલમાં બંધ છે
અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાલ સાબરમતી જેલમાં બંધ પ્રજ્ઞેશ પટેલે જામીન પર છૂટવા માટે હવે નવો જ દાવ ખેલ્યો છે. પ્રજ્ઞેશના દીકરા તથ્ય પટેલે ૨૦ જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર ૧૪૧ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર કાર ચલાવી નવ લોકોને ઉડાવી માર્યા હતા, આ કેસમાં તથ્યની સાથે તેનો બાપ પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અગાઉ લોઅર કોર્ટમાં પોતાને મોઢાનું કેન્સર હોવાનું કારણ આપી જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દેતા હવે પ્રજ્ઞેશે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. અમદાવાદ મિરરના રિપોર્ટ અનુસાર, પ્રજ્ઞેશ પટેલે પોતાની જામીન અરજીમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમાં ખાસ તો એ મુદ્દો ઉપસ્થિત કરાયો છે કે અકસ્માત થયો ત્યારે તથ્ય સાથે તેના જે પાંચ મિત્રો કારમાં સવાર હતા તેમને આરોપી કેમ નથી બનાવવામાં આવ્યા? તથ્ય પટેલ સાથે કારમાં જે લોકો સવાર હતા તેમાં શ્રેયા વઘાસિયા, આર્યન પંચાલ ધ્વની પંચાલ, શાન સોની અને માલવિકા પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ પોલીસને તથ્ય પટેલની વિરૂદ્ધમાં નિવેદન આપતા કહ્યું હતું કે અકસ્માત થયો તે વખતે તેમણે તથ્યને કાર ધીરે ચલાવવા કહ્યું હતું, પરંતુ તથ્યએ તેમની વાત નહોતી સાંભળી.
પોલીસે આ જ કેસમાં પ્રજ્ઞેશ પટેલને સહ-આરોપી બનાવ્યો છે, પરંતુ તથ્ય સાથે કારમાં જે લોકો સવાર હતા તેમને પોલીસે સાક્ષી બનાવ્યા છે, તેવામાં પ્રજ્ઞેશ પટેલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવીને તેને એક તરફી ગણાવી પોતાને જામીન મળવા જોઈએ તેવી કોર્ટમાં રજૂઆત કરી છે. તથ્ય પટેલે અકસ્માત કર્યો ત્યારે પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળ પર પહોંચીને ટોળાંને ધમકાવ્યું હતું તેમજ કથિત રીતે હથિયાર પણ બતાવ્યું હતું. ત્યારબાદ પ્રજ્ઞેશ તથ્યને લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધો હતો. પોલીસે તથ્ય સાથે પ્રજ્ઞેશ પટેલની પણ ૨૦ જુલાઈએ સાંજે ધરપકડ કરી હતી, પરંતુ પોલીસે તેના રિમાન્ડ ના માગતા તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે જામીન પર છૂટવા માટે લોઅર કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેણે જામીન માટે જે કારણ આપ્યું હતું તેના પર ફરિયાદ પક્ષ દ્વારા કેટલાક ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા..
એક તરફ પ્રજ્ઞેશની એવી દલીલ હતી કે તેને મોઢાનું કેન્સર છે, તો બીજી તરફ ફરિયાદ પક્ષનું એવું કહેવું હતું કે પ્રજ્ઞેશે ૨૦૧૯ પછી કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ લીધી જ નથી, એટલું જ નહીં જો તેને જામીન પર છોડવામાં આવે તો તે સાક્ષીઓને ધમકાવી આ કેસને પ્રભાવિત કરી શકે છે તેવી રજૂઆત પણ ફરિયાદ પક્ષ દ્વારા કરાઈ હતી.લોઅર કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દેતા હાઈકોર્ટમાં જામીન અરજી કરનારા પ્રજ્ઞેશ પટેલે પોલીસે પોતાની સામે લગાવેલા આરોપો પાયાવિહોણા હોવાનો દાવો કર્યો છે. પોતાની જામીન અરજીમાં તેણે એવી પણ રજૂઆત કરી છે કે તે પોતે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે, અને ગુનામાં તેની કોઈ સંડોવણી હતી જ નહીં. તેમજ પોતે અકસ્માત થયો ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને એક બાપ તરીકે તેણે રોષે ભરાયેલા ટોળાના હાથમાંથી પોતાના દીકરાને બચાવ્યો હતો.
એક તરફ પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાંથી છૂટવા હવાતિયા મારી રહ્યો છે તો બીજી તરફ, આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ તથ્ય પટેલે પણ લોઅર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. મંગળવારે તથ્યની જામીન અરજી પર થયેલી સુનાવણીમાં તેના વકીલે આ અકસ્માત માટે પોલીસને જવાબદાર ઠેરવતા એવો સવાલ કર્યો હતો કે તે રાત્રે લોકો ઈસ્કોન ફ્લાયઓવર પર જમા કેમ થયા હતા? આ હાઈવેને સરકારે એલિવેટેડ હાઈવે જાહેર કર્યો છે જેના પર કોઈ ઉભું પણ ના રહી શકે, તેમ છતાંય ત્યાં ૨૦ જુલાઈની રાત્રે ટોળું જમા થયું હતું. એટલું જ નહીં, તે વખતે પોલીસ પણ ત્યાં હાજર હતી અને ત્યાં પહેલાથી જ થયેલા એક અકસ્માતનું પંચનામું કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, તેવામાં પોલીસની ફરજ હતી કે તે બેરિકેટર્સ ગોઠવીને વાહનોની અવરજવર બંધ કરાવી ટ્રાફિકને ડાયવર્ટ કરાવવામાં આવે.
તથ્યના વકીલે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ અકસ્માતમાં પોલીસની જ બેદરકારીને કારણે પોલીસકર્મીઓના મોત થયા છે, અને હવે પોલીસ પોતાની બેદરકારી છૂપાવવા માટે તથ્ય પર બધા આરોપ લગાવી રહી છે, જો પોલીસે પહેલાથી જ ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હોત તો તથ્યની કાર ત્યાં પહોંચી જ ના હોત. તથ્યના વકીલની દલીલોનો જવાબ આપતા સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર હાજર પોલીસકર્મીઓને અગાઉ ત્યાં થયેલા અકસ્માત વિશે જાણ નહોતી. પોલીસ તે વખતે ઝાયડસ હોસ્પિટલથી પાછી આવી રહી હતી, અને ઈસ્કોન બ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયેલો જોઈ તેમાં કોઈ ઘવાયું છે કે નહીં તે ચકાસવા પોલીસકર્મીઓ ઉતર્યા હતા, અને ત્યાં પંચનામાની કોઈ કાર્યવાહી નહોતી ચાલી રહી. એટલું જ નહીં, લોકોનું ટોળું ત્યાં જમા થયું હતું તે વખતે પણ બ્રિજની તે સાઈડ પર વાહન નીકળી શકે તેટલી જગ્યા હતી, પરંતુ તથ્યએ ટોળાંને અડફેટે લીધું તે પછી બ્રેક પણ નહોતી મારી