ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા સામે પ્લેઈંગ 11ના સિલેક્શનને લઈ મોટો સવાલ સામે આવ્યો છે. રોજકોટમાં ભારતના 13 જ ખેલાડીઓ હાજર છે અને એમાંથી પ્લેઈંગ 11ની પસંદગી થશે.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચ રાજકોટમાં રમાશે. ભારતે પહેલી બે મેચ જીતી સીરિઝ પર 2-0 થી કબજો કરી લીધો છે, એવામાં અંતિમ મેચ ભારત (Team India) માટે પ્રેક્ટિસ મેચ સમાન રહેશે. અંતિમ મેચમાં ટીમના સિનિયર ખેલાડીઓ વાપસી કરશે, છતાં કેપ્ટન Rohit Sharma સામે પ્લેઈંગ 11ના સિલેક્શનને લઈ મુશ્કેલી ઊભી થઈ છે
રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી
ભારતીય ટીમ 25 સપ્ટેમ્બરે રાજકોટ પહોંચી હતી, જ્યાં ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ 26 સપ્ટેમ્બરે કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. જે દરમિયાન રોહિતે પ્લેઈંગ 11 માટે હાજર ખેલાડીઓ અંગે પણ જાણકારી આપી હતી, જેમાં મોટો ખુલાસો થયો હતો.
પાંચ ખેલાડીઓ મેચમાં નહીં રમે
રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી કે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર અને શુભમન ગિલ રાજકોટ વનડેમાં નહીં રમે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને હાલ NCAમાં છે. જ્યારે શાર્દુલ, હાર્દિક, શુભમન અને શમી અંતિમ મેચમાં આરામ કરશે, એવામાં માત્ર 13 જ ખેલાડીઓ પ્લેઈંગ 11 સિલેક્શનમાં હાજર રહેશે.
પ્લેઈંગ 11 માં કોને સ્થાન મળશે ?
રોહિત શર્માના નિવેદન બાદ એ તો સાફ થઈ ગયું છે કે ટીમ ઈન્ડિયા પાસે હાલમાં ખેલાડીઓની કમી છે. રોહિત પાસે રાજકોટ વનડેમાં 13 ખેલાડીઓ ઉપલબ્ધ છે, એમાંથી જ ભારતની પ્લેઈંગ 11 સિલેકટ થશે. જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું રમવું નક્કી જ છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર સારા ફોર્મમાં છે અને તેને પણ સ્થાન મળશે.
બોલિંગમાં થશે પરિવર્તન
ફાસ્ટ બોલિંગમાં સિરાજ અને બૂમરાહ ટીમમાં વાપસી કરશે, જ્યારે સ્પિન બોલિંગમાં ભારત ત્રણ સ્પિનરોને તક આપશે, જેમાં અશ્વિન અને જાડેજા સિવાય કુલદીપ યાદવને તક મળશે. ઈન-ફોર્મ પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર બેસવું પડી શકે છે, સાથે જ સુંદરના સ્થાનને લઈ પણ પ્રશ્નાર્થ રહેશે.
રાજકોટમાં ભારતની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટ કીપર), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.