Wednesday, November 20, 2024
HomeGujarati News એશિયા કપ જીત્યા, હવે વિશ્વ વિજેતા બનવાનો વારો:મિશન વર્લ્ડ કપ માટે ટીમ...

 એશિયા કપ જીત્યા, હવે વિશ્વ વિજેતા બનવાનો વારો:મિશન વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, 6 ફેક્ટર્સ જેનાથી ભારત ચેમ્પિયન બનવા મજબૂત દાવેદાર 

ટીમ ઈન્ડિયા મિશન વર્લ્ડ કપ માટે તૈયાર છે. ભારતે એશિયા કપ જીતીને ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ માટે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. આ ટુર્નામેન્ટમાં મેનેજમેન્ટને એવા સવાલોના જવાબો મળ્યા જે લાંબા સમયથી ટીમને પરેશાન કરી રહ્યા હતા.

ટોપ ઓર્ડર ફોર્મમાં છે, કેએલ રાહુલ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પણ નંબર-4 અને મિડલ ઓર્ડર પોઝિશન પર તૈયાર છે. બોલરો પાવરપ્લેની સાથે મિડલ ઓવર્સમાં પણ વિકેટો લઈ રહ્યા છે. ટીમે નોકઆઉટ સ્ટેજમાં ચોક થઈ જવાનો દોર પણ તોડી નાખ્યો છે.

આ સ્ટોરીમાં આપણે એવાં 6 ફેક્ટર્સ વિશે જાણીશું, જે ભારતને વિશ્વ ચેમ્પિયન બનવા માટે સૌથી મજબૂત દાવેદાર બનાવી રહ્યાં છે…

ફેક્ટર-1: બધા ઝડપી બોલરો લયમાં
એશિયા કપ પહેલા મોટો સવાલ એ હતો કે જસપ્રીત બુમરાહ ઈજા બાદ પોતાને સાબિત કરી શકશે કે નહીં. મોહમ્મદ સિરાજ એકલો નહીં કરી શકે. અને શું મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને પ્લેઇંગ-11માં તક આપવી યોગ્ય રહેશે?

  • બુમરાહે ઈજા બાદ શાનદાર કમબેક કર્યું હતું. પાકિસ્તાન સામે સુપર-4 તબક્કામાં વન-ડેમાં પ્રથમ વખત બોલિંગ કરી હતી. ટીમને શાનદાર શરૂઆત અપાવતા તેણે એક વિકેટ પણ લીધી હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા સામે સુપર-4 અને ફાઈનલ બંને મેચમાં ભારત માટે પ્રથમ વિકેટ મેળવી હતી.
  • સિરાજે બુમરાહને ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો. તેની 6 વિકેટે ફાઈનલમાં શ્રીલંકાને બરબાદ કરી દીધું હતું. તેણે વિપક્ષી ટીમના બેટર્સ પર દબાણ બનાવ્યું અને તેમને રન બનાવતા રોક્યા. સિરાજે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ 10 વિકેટ લીધી હતી.
  • ટીમે શાર્દૂલનો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે પાકિસ્તાન અને નેપાળ સામે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ સામેની મેચમાં તેણે 3 મહત્ત્વની વિકેટ લીધી, તેણે દરેક વખતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિકેટ લીધી.

ફેક્ટર-2: મિડલ ઓવર્સમાં વિકેટ લેનારા બોલરો
ટીમ ઈન્ડિયા શરૂઆતની 10 ઓવરમાં વિકેટ લઈને દબાણ બનાવી રહી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં બોલરો ઘણા રન આપી રહ્યા હતા. એશિયા કપમાં હાર્દિક પંડ્યાની સાથે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની બોલિંગથી પણ આ સમસ્યા દૂર થઈ ગઈ હતી.

  • કુલદીપે એશિયા કપની 4 મેચમાં બોલિંગ કરી હતી. નેપાળ સામે તેને કોઈ વિકેટ મળી ન હતી અને તે ફાઈનલમાં માત્ર એક ઓવર જ ફેંકી શક્યો હતો. તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામેની બાકીની 2 મેચમાં 5 અને 4 વિકેટ લીધી હતી. તે ફરી એકવાર મિડલ ઓવર્સમાં ટીમના ટ્રમ્પ કાર્ડ તરીકે ઊભરી આવ્યો.
  • જાડેજાએ મોટાભાગે સ્પિન પિચનો લાભ લીધો હતો. નેપાળ સામે તેણે 40 રનમાં 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામેની મહત્ત્વની સુપર-4 મેચમાં તેણે 10 ઓવરમાં માત્ર 33 રન આપ્યા અને 2 મોટી વિકેટ પણ લીધી.
  • હાર્દિકે ફાઈનલમાં માત્ર 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે સુપર-4 તબક્કામાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે પણ ચુસ્ત બોલિંગ કરી હતી. હાર્દિકે ખૂબ જ ઇકોનોમિકલ બોલિંગ કરી, જેના કારણે વિપક્ષી ટીમ પર દબાણ વધતું રહ્યું.

ફેક્ટર-3: ટોપ ઓર્ડરના બેટર્સ ફોર્મમાં પરત ફર્યા
એશિયા કપ પહેલાં શુભમન ગિલ વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યાએ ઈશાન કિશનને લેવાની વાત શરૂ થઈ હતી. વિરાટ કોહલી ઘણા સમયથી વન-ડે રમ્યો ન હતો, જ્યારે રોહિત શર્મા પણ આઉટ ઓફ ફોર્મ દેખાઈ રહ્યો હતો.

  • શુભમને ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાન અને નેપાળ સામે 2 અડધી સદી ફટકારી. રોહિત શર્મા સાથે બીજી સદીની ભાગીદારી કર્યા બાદ તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં ચેઝ કરતી વખતે સદી ફટકારી હતી. શુભમન ટીમને જીત અપાવી શક્યો ન હતો, પરંતુ તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી હતી.
  • રોહિતે નેપાળ સામે 74 રન અને પાકિસ્તાન સામે 58 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની સુપર-4 સ્ટેજની મેચમાં તેણે મુશ્કેલ પિચ પર સતત ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને 53 રન બનાવીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોહિત પણ નેતૃત્વમાં પહેલાં કરતાં વધુ શાંત અને વ્યૂહાત્મક દેખાવા લાગ્યો છે.
  • પાકિસ્તાન સામે 122 રન બનાવીને વિરાટે ફરી એકવાર બધાને તેના શ્રેષ્ઠ ફોર્મેટની યાદ અપાવી હતી. વિરાટ બાંગ્લાદેશ સામે રમ્યો ન હતો, તેને ફાઈનલમાં અને નેપાળ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી.

ફેક્ટર-4: મિડલ ઓર્ડર બેટિંગ ઓર્ડરની સમસ્યા સમાપ્ત થઈ ગઈ
યુવરાજ સિંહની નિવૃત્તિ બાદથી ટીમ ઈન્ડિયાને વન-ડેમાં નંબર-4 પોઝિશન પર કોઈ બેટર મળી શક્યો નથી. 2019 વર્લ્ડ કપ પછી, શ્રેયસે સમસ્યા હલ કરી હતી, પરંતુ તે ઈજાને કારણે મોટાભાગની મેચ રમી શક્યો ન હતો. ઈજામાંથી પરત ફરી રહેલા કેએલ રાહુલનું ફોર્મ પણ ચિંતાનો વિષય હતો.

  • રાહુલે પ્રથમ બે મેચ રમી ન હતી, પરંતુ પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં સદી ફટકારીને તેની ફિટનેસ અને ફોર્મ બંને સાબિત કરી દીધા હતા. તેણે તમામ 4 મેચમાં વિકેટ જાળવી રાખી, ઘણા શાનદાર કેચ લીધા અને કેપ્ટન રોહિતને ઘણી વખત રિવ્યૂ લેવામાં પણ મદદ કરી.
  • ઈશાને પાકિસ્તાન સામેની મોટી મેચમાં ટીમને શરૂઆતી આંચકાઓમાંથી બચાવી હતી. તેણે 82 રનની ઇનિંગ રમી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી અને બતાવ્યું કે તે નંબર-4 પોઝિશન પર શ્રેષ્ઠ વિકલ્પ છે. તેણે તમામ 6 મેચ રમી અને શરૂઆતના મિડલ ઓર્ડરમાં પોતાની જાતને સાબિત કર્યો.
  • શ્રેયસ પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ રમી શક્યો હતો, પરંતુ આ મેચમાં પણ તે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યો હતો. જો તે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં પુનરાગમન કરે છે તો તે વર્લ્ડ કપ પહેલાં ભારત માટે ખૂબ જ સકારાત્મક હશે

ફેક્ટર- 5. ઓલરાઉન્ડરોની સૌથી મોટી જરૂર- પંડ્યા, જડ્ડુ, અક્ષરે પોતાને સાબિત કર્યા
ટીમ ઈન્ડિયા ઘણા સમયથી ઓલરાઉન્ડર રાખવાનો આગ્રહ કરી રહી છે. આ કારણોસર, હાર્દિક અને જાડેજા બંને પ્લેઇંગ-11નો ભાગ છે અને ટીમ એવા બોલરને પ્રાથમિકતા આપે છે જે નંબર-8 પર પણ બેટિંગ કરી શકે. એશિયા કપમાં આ સવાલનો જવાબ શાર્દૂલની સાથે અક્ષર પટેલ પાસેથી પણ મળ્યો હતો.

  • હાર્દિકે બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવ્યું હતું. પાકિસ્તાન સામે તેની 87 રનની ઇનિંગ તેની પરિપક્વતા દર્શાવે છે. શ્રીલંકા અને પાકિસ્તાન સામે પણ તેની બોલિંગે ટીમને એક શાનદાર બોલર આપ્યો હતો.
  • અક્ષર માત્ર 2 મેચ રમ્યો, પરંતુ બંને મેચમાં તેણે પોતાની બેટિંગથી સાબિત કર્યું કે તે નંબર 8 પર શ્રેષ્ઠ પસંદગી હશે. તેણે શ્રીલંકા સામે 26 રન અને બાંગ્લાદેશ સામે 42 રન બનાવ્યા હતા. તેણે બાંગ્લાદેશ સામેની મેચ લગભગ પૂરી કરી હતી, પરંતુ તે નિર્ણાયક ક્ષણે આઉટ થઈ ગયો હતો. અક્ષરની બોલિંગ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તે અત્યારે ઈજાગ્રસ્ત પણ છે જે ભારત માટે મોટી સમસ્યા બની શકે છે.
  • શાર્દૂલને પ્લેઇંગ-11માં માત્ર નંબર-8 પોઝિશન પર બેટિંગ કરવા માટે જગ્યા આપવામાં આવી હતી. તેને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે બેટિંગ કરવાનો મોકો મળ્યો, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. જોકે ઓસ્ટ્રેલિયા સામે તે પોતાની બેટિંગ સાબિત કરી શકે છે. તેણે બોલિંગમાં ચોક્કસપણે 5 વિકેટ લીધી.
  • જાડેજાએ તેની બોલિંગ ક્ષમતા સાબિત કરી હતી, પરંતુ તેની બેટિંગ શ્રીલંકાની સ્થિતિને અનુરૂપ ન હતી અને મોટાભાગની મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો. જો કે, તેણે ભારતીય પરિસ્થિતિઓમાં તેની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે, જે ટીમ માટે સારી બાબત છે.
  • ફેક્ટર- 6. નોકઆઉટમાં ચોક થવા પર બ્રેક લાગી
  • ટીમ ઈન્ડિયાએ 2018 પછી પહેલીવાર કોઈ મલ્ટિનેશન ટુર્નામેન્ટ જીતી છે. 5 વર્ષ પહેલાં પણ ભારતે એશિયા કપ જીત્યો હતો, પરંતુ તે પછી ટીમ 2019માં વન-ડે વર્લ્ડ કપ, 2022માં T-20 વર્લ્ડ કપ અને 2021-2023માં બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નોકઆઉટ મેચ હારી ગઈ હતી. હવે 2023માં ટીમે એશિયા કપ ફાઈનલ જીતીને નોકઆઉટ સ્ટેજમાં ચોક થવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
  • ટીમ ઈન્ડિયાએ 2013 પછી કોઈ ICC ટ્રોફી જીતી નથી. ટીમની છેલ્લી જીત ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં મળી હતી. આ પછી ટીમ 2014માં T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં, 2015માં વર્લ્ડ કપની સેમિફાઈનલ, 2016માં T-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ અને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ હારી ગઈ હતી.
  • એટલે કે ભારત છેલ્લા 10 વર્ષમાં 8 નોકઆઉટ મેચ હારી ગયું છે. ટીમને ત્રણ વખત સફળતા પણ મળી અને ત્રણેય પ્રસંગ એશિયા કપમાં આવ્યા. આ વખતે ફરી ટીમે એશિયા કપમાં જ નોકઆઉટમાં જીત મેળવી છે, જે વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા ભારત માટે પોઝિટિવ વાત છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments