Wednesday, November 20, 2024
HomeGujarati Newsભારત-કેનેડા વિવાદે ભારે કરીઃ લગ્નોના આયોજન ખોરવાયા, સગા-સંબંધી નહીં મળી શકે

ભારત-કેનેડા વિવાદે ભારે કરીઃ લગ્નોના આયોજન ખોરવાયા, સગા-સંબંધી નહીં મળી શકે

ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ આવી તેના કારણે કેટલાય પરિવારોને અસર થવાની છે. હાલમાં કેનેડાના નાગરિકો ભારત આવી શકે તેમ નથી તેના કારણે લગ્નોમાં કેનેડિયન સ્વજનોને બોલાવવા

હાઈલાઈટ્સ:

  • લગ્ન પ્રસંગ માટે વિદેશથી મહેમાનો આવવાના હોય તો તેમાં અવરોધો થયા
  • કેનેડાના ડોક્ટરોનું ડેલિગેશન કોન્ફરન્સમાં ભાગ લેવા આવી શકે કે નહીં તે અંગે શંકા
  • જે સ્ટુડન્ટ એડમિશન લેવાના હતા તેઓ હવે ચિત્ર થોડું સ્પષ્ટ થાય તેની રાહ જુએ છે

India Canada Relations: બે દેશો વચ્ચે જ્યારે કોઈ વિવાદ થાય અને સંબંધો બગડે ત્યારે તેની કેટલી વ્યાપક અસર પડતી હોય છે તે તાજેતરના ભારત-કેનેડા વિવાદમાં જોવા મળ્યું છે. બંને દેશોએ એક બીજાના ડિપ્લોમેટની છટણી કરી અને હવે વિઝા પર નિયંત્રણ મુક્યા છે. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સ, વેપારીઓ, કંપનીઓ, પ્રવાસીઓ અને પરિવારો પણ પરેશાન છે.

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી મહેમાનો આવવાના હોય અથવા કોઈ ભારત ફરવા આવવાનું હોય તેમની તકલીફો વધી ગઈ છે. હાલમાં વિઝા કન્સલ્ટન્ટ્સના ફોન આખો દિવસ રણકતા હોય છે અને અત્યારની સ્થિતિમાં હવે શું થશે તેના વિશે લોકો સવાલો કરતા હોય છે.

ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ સાઈરસ શેઠના કહે છે કે ગુરુવારથી તેઓ નોન-સ્ટોપ લોકોને ફોન પર જવાબ આપી રહ્યા છે. મુંબઈમાં ડિસેમ્બરમાં એક કપલના લગ્ન છે અને તેમાં 30થી 40 મહેમાન કેનેડાથી આવવાના હતા. હવે તેઓ ભારત આવી શકશે કે નહીં તે વિશે તેમને ચિંતા છે. બીજી તરફ કેનેડાના ડોક્ટરોનું એક ડેલિગેશન ભારતમાં કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવવાનું હતું પરંતુ હવે કાર્યક્રમ કેન્સલ રાખવો પડે તેવી શક્યતા છે.

શેઠના કહે છે કે ભારતે વિઝા પર સાવ પ્રતિબંધ મુકવાની જરૂર ન હતી. કેનેડાની વિઝા પ્રોસેસ પહેલેથી મુશ્કેલ હતી. તેના માટે લાંબી રાહ જોવી પડતી હતી અને સાવ નકામા કારણોસર વિઝા રિજેક્ટ કરીદેવામાં આવતા હતા. હવે આગળ શું થશે તે કોઈ નથી જાણતું. ભારત અને કેનેડા વચ્ચેના હાલના વિવાદમાં ઘણા લોકોને સમજાતું નથી કે આગળ શું કરવું. કેનેડાની યુનિવર્સિટીઓ માટે એપ્લાય કરનારા સ્ટુડન્ટ પણ ચિંતિત છે. આ ઉપરાંત જેમના પરિવાર કેનેડામાં છે તેઓ પણ સ્વજનોને મળી શકે તેમ નથી.

છેલ્લા કેટલાક સમયથી ભારતથી કેનેડા જતા લોકોની સંખ્યામાં મોટો વધારો આવ્યો હતો જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એર કેનેડાની ડાયરેક્ટ ફ્લાઈટ હંમેશા બૂક થયેલી જોવા મળતી હતી. કેનેડામાં હાલમાં જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણે છે તેમાં 40 ટકા જેટલા ભારતીયો છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેનેડાને ફેવરિટ ગણવામાં આવે છે. હાલમાં લગભગ ત્રણ લાખ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં વસે છે.

મુંબઈ સ્થિત એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ વિરલ દોશી કહે છે કે ભારતીયો માટે કેનેડા હંમેશાથી એક સુરક્ષિત, ફ્રેન્ડલી અને એજ્યુકેશન માટે ઉત્તમ દેશ ગણવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. મને એવા ઘણા પેરન્ટના કોલ આવ્યા છે જેઓ પૂછવા માગે છે કે કેનેડાના બદલે હવે યુકે અથવા નેધરલેન્ડ્સ જઈ શકાય કે કેમ. અન્ય એક કન્સલ્ટન્ટે કહ્યું કે જાન્યુઆરીમાં જે સ્ટુડન્ટ એડમિશન લેવાના હતા તેઓ હવે ચિત્ર થોડું સ્પષ્ટ થાય તેની રાહ જુએ છે. વિદ્યાર્થીઓ તો વિદેશ જવા માટે ઉત્સુક છે. પરંતુ તેમના વાલીઓ સ્થિતિ નોર્મલ થાય પછી તેમને મોકલવા માગે છે.

જે ભારતીય સ્ટુડન્ટ પહેલેથી કેનેડામાં ભણી રહ્યા છે તેમને પણ લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. ઓન્ટારિયોની એક કોલેજમાં એક મહિનો પૂરો કરનારા એક સ્ટુડન્ટે કહ્યું કે અમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ ચિંતિત છે. અમે બધા અત્યારે અફવાઓથી દૂર રહેવાનું વિચારીએ છીએ. કેનેડિયન કોલેજ અથવા ભારતીય દૂતાવાસ તરફથી કોઈ સૂચના નથી આવી.

કેનેડાને ભારતીયો માત્ર એજ્યુકેશન માટે જ નહીં, પરંતુ કાયમી વસવાટ માટે પણ પસંદ કરે છે. એક્સપ્રેસ એન્ટ્રી પોઈન્ટ બેઝ્ડ સિસ્ટમની મદદથી ઘણા ભારતીય પરિવારો કેનેડામાં સેટલ થયા છે. કેનેડામાં શીખો ઉપરાંત ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત અને તમિલનાડુથી સૌથી વધારે સ્ટુડન્ટ કેનેડા જાય છે.

dian Students in Canada: ભારતીય સ્ટુડન્ટ કેનેડા જવા માટે ઉત્સુક છે પરંતુ કેનેડિયન યુનિવર્સિટીઓના કહેવા મુજબ આ વખતે સ્ટુડન્ટના ઈનટેકમાં મોડું થઈ શકે છે. સ્ટુડન્ટ્સે આગામી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને એડમિશન લેવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિઝાની પ્રોસેસ પણ ખોરવાઈ શકે છે. રાજકીય વિવાદના કારણે સ્ટુડન્ટ્સે સહન કરવાનું આવશે.

હાઈલાઈટ્સ:

  • કેનેડામાં સ્પ્રિંગ બેચ શરૂ થવા માટે માત્ર ત્રણ મહિના બાકી છે
  • આ વખતે વિઝાના પ્રોસેસિંગમાં મોડું થાય તેવી બીક છે.
  • અત્યારે જેઓ એડમિશન લઈ રહ્યા છે તેમણે સેશનનું વિચારવું પડશે
canada university
કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની એડમિશન પ્રોસેસમાં વિલંબ થઈ શકે છે

Indian Students in Canada: ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવના કારણે ભારતીય સ્ટુડન્ટ્સને કદાચ સૌથી વધારે અસર થાય તેવી શક્યતા છે. ખાસ કરીને વિઝા અંગેની નીતિમાં મોટો ફેરફાર આવી શકે છે તે વાતની વધારે ચિંતા છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે, જ્યારે કેનેડાએ હજુ ભારતીયોને વિઝા આપવા અંગે કોઈ નેગેટિવ જાહેરાત નથી કરી. પરંતુ કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે આ વખતે તેમના એડમિશનમાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત એકેડેમિક સેશન પણ ખોરવાઈ શકે છે.

કેનેડામાં અત્યારે જે સ્ટુડન્ટ એડમિશન લેશે તેમનું એકેડેમિક સેશન જાન્યુઆરીથી શરૂ થવાનું છે. વિઝા પ્રોસેસને લઈને અનિશ્ચિતતા છે ત્યારે કેનેડિયન કોલેજોના પ્રતિનિધિઓએ હૈદરાબાદમાં એક એજ્યુકેશન ફેરમાં આ વાત કહી હતી. તેમણે સલાહ આપી છે કે કેનેડામાં જેઓ હાયર એજ્યુકેશન માટે જવા માગે છે તેમણે ઓગસ્ટ 2024માં શરૂ થતા સત્ર માટે પસંદગી કરવી જોઈએ.

કેનેડાની એક યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું કે સ્પ્રિંગ બેચ શરૂ થવા માટે માત્ર ત્રણ મહિના બાકી છે ત્યારે વિઝાના પ્રોસેસિંગમાં મોડું થાય તેવી બીક છે. તેથી અત્યારે જેઓ એડમિશન લઈ રહ્યા છે તેમણે પોતાનું સત્ર મોડેથી શરૂ થાય તે જોવું જોઈએ. કેનેડાની ઘણી યુનિવર્સિટીઓ પણ અત્યારથી કંઈ ચોક્કસ કહેવા માગતી નથી. તેના બદલે તેઓ થોડી રાહ જોવા માગે છે જેથી કરીને હાલનો વિવાદ ઉકેલાઈ જાય. તેમને લાગે છે કે સ્ટડી પરમિટ મેળવવામાં ભારતીય વિદ્યાર્થીઓને મોડું થઈ શકે છે.

ઓન્ટારિયોની એક યુનિવર્સિટીના ઓફિસરે જણાવ્યું કે એડમિશન પ્લાનને ફાઈનલ કરતાં પહેલા તેઓ હજુ એક અઠવાડિયું રાહ જોશે. પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી તેઓ નક્કી કરશે કે જાન્યુઆરી- મે મહિનાના એડમિશન લેટર આપવા કે પછી તેના કરતા પણ મોડા સેશન માટે લેટર આપવા. વિઝાને લગતા ઈશ્યૂ થવાથી સ્ટુડન્ટે તેમના એડમિશન મોકુફ રાખવા ન પડે તે માટે તેઓ આમ કહી રહ્યા છે.

ભારતમાં અલગ અલગ સ્થળે યોજાયેલા એજ્યુકેશન ફેરમાં ગયા વર્ષની તુલનામાં આ વખતે ઓછી સંખ્યામાં સ્ટુડન્ટે ભાગ લીધો છે. છતાં એક વાત નક્કી છે કે હાયર એજ્યુકેશન માટે હજુ પણ ભારતીયો કેનેડાને એક ઉત્તમ દેશ ગણે છે. હાલમાં જે પોલિટિકલ વિવાદ છે તે લાંબો સમય નહીં ચાલે તેવું માનવામાં આવે છે.

ચાલુ સપ્તાહમાં કેનેડાએ એક કટ્ટરવાદી નેતાની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુક્યો તેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધ ખરાબ થયા છે. બંને દેશો એકબીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી ચુક્યા છે અને ભારતે કેનેડિયનોને વિઝા આપવાનું પણ બંધ કરી દીધું છે.

ભારતીયો અત્યારે કેનેડા જઈ શકે કે નહીં? વિઝાને લગતા તમામ સવાલોના જવાબ આ રહ્યા

Visa Service to Canada: ભારત અને કેનેડાના સંબંધો તળિયે પહોંચ્યા તેના કારણે તેની તાત્કાલિક અસર વિઝા પ્રોસેસ પર થઈ છે. ભારતે કેનેડાને પોતાના ડિપ્લોમેટની સંખ્યા ઘટાડવા કહ્યુું છે. આ સાથે સાથે વિઝાની સર્વિસ પણ બંધ કરી દીધી છે. તેના કારણે કયા દેશના નાગરિકોને કેવી અસર થશે તે વિશે સવાલો પેદા થયા છે.

હાઈલાઈટ્સ:

  • ભારતે કેનેડિયન નાગરિકોને હાલમાં વિઝા આપવાનું બંધ કરી દીધું છે.
  • ભારતીયો પોતાના વેલિડ વિઝા પર કેનેડા જઈ શકે છે
  • વિઝા સર્વિસ ફરીથી ક્યારે શરૂ થશે તે વિશે હજુ કંઈ સ્પષ્ટ નથી

ભારત અને કેનેડા વચ્ચે અત્યાર સુધી ગયા અઠવાડિયા સુધી ગાઢ સંબંધ હતા, પરંતુ બે-ત્રણ દિવસમાં જ આ સંબંધો તળિયે પહોંચી ગયા છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓના મુદ્દે બંને દેશ વચ્ચે તણાવ પેદા થયો છે જેમાં ભારતે કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ પણ બંધ કરવાની જાહેરાત કરી છે. તેના કારણે ભારતથી કેનેડા જઈ રહેલા લોકોમાં પણ ચિંતા પ્રવર્તે છે. હાલની સ્થિતિમાં કેનેડા જઈ શકાય કે નહીં તેવા પ્રશ્નો પેદા થયા છે.

કેનેડાના વિઝા અને કેનેડા પ્રવાસ વિશે આટલું જાણી લોઃ
1. કયા વિઝા સસ્પેન્ડ થયા છે ?
ભારતે કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ બંધ કરી છે. તેથી કોઈ નવા વિઝા ઈશ્યૂ નહીં થાય.
2. કેનેડાના વિઝિટરે ભારત આવવું હોય તો શું થશે?
હાલમાં તો કોઈ કેનેડિયન નાગરિકને ભારત આવવા માટે વિઝા નહીં મળે. જોકે, પહેલેથી વેલિડ વિઝા હોય તેમને વાંધો નહીં આવે.
3. વિઝા પરના નિયંત્રણ ક્યારથી શરૂ થયા?
આ નિયમો અત્યારથી લાગુ થઈ ગયા છે અને આગામી સૂચના ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
4. વિઝા સર્વિસ કેમ બંધ કરવામાં આવી?
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા થવાના કારણે વિઝા સર્વિસ બંધ કરવામાં આવી છે.
5. હાલના ભારતીય વિઝાનું શું થશે?
વેલિડ ભારતીય વિઝા પર પ્રવાસ કરવામાં કોઈ વાંધો નથી.
6. ભારતીયો કેનેડા જઈ શકે કે નહીં?
હા. ભારતીયો કેનેડા જઈ શકે છે. હજુ સુધી કેનેડાએ કોઈ પ્રતિબંધ નથી મુક્યા.
7. હાલના વિઝા પર કોઈ વ્યક્તિ કેનેડાથી પરત આવી શકે?
હા. વેલિડ વિઝા પર કોઈ નિયંત્રણ નથી.
8. ઈ-વિઝા અમલમાં છે કે નહીં?
ના. ઈ-વિઝા પણ હાલ પૂરતા અટકાવી દેવાયા છે.

આ ઉપરાંત ભારતે કેનેડામાં પોતાના નાગરિકો અને સ્ટુડન્ટ્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં સૌને સાવધાની રાખવાની સલાહ અપાઈ છે કારણ કે કેનેડામાં હેટ ક્રાઈમ વધ્યો છે અને ભારતીયોને નિશાન બનાવવામાં આવી શકે છે. જે વિસ્તારોમાં કે પ્રાંતમાં ભારત વિરોધી વાતાવરણ હોય ત્યાં હમણાં ન જવા ભારતીય વિદ્યાર્થીઓને સલાહ અપાઈ છે.

ગયા સોમવારથી ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મુક્યો હતો કે હરદીપ સિંહ નિજ્જર નામના ખાલિસ્તાની ઉગ્રવાદીની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે.

ત્યાર બાદ બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી હતી. કેનેડાથી ભારતના વિઝાનું કામ સંભાળતી બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસિસની વેબસાઈટ પર મેસેજ અપાયો છે કે ઓપરેશનલ કારણોથી 21 સપ્ટેમ્બર 2023થી ભારતીય વિઝા સર્વિસ બંધ કરવામાં આવી છે. આગામી નવી સૂચના ન આવે ત્યાં સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે. વધુ અપડેટ માટે બીએલએસની વેબસાઈટ જોતા રહો.

Gangster Sukha canada crimes: ગેંગસ્ટર સુક્ખાની વાત કરીએ તો શરૂઆતમાં તે ભારતમાં એક્ટિવ હતો અને નાની ખંડણીઓ અને હત્યાના અનેક કેસમાં શંકાસ્પદ તરીકે પ્રદર્શિત કરાયો હતો. તેવામાં વર્ષ 2017માં પંજાબથી કેનેડા ભાગીને આવ્યો હતો. ત્યાં આવીને પણ સુક્ખાએ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને નાની મોટી નોકરીઓની સાથે ગુનાઓ પણ કરતો રહ્યો હતો.

સુક્ખા કઈ રીતે કેનેડા પહોંચ્યો?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુક્ખા બંબિહા ગેંગનો હતો તથા અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ કે જે મોગાના ડાલા ગામનો વતની હતો તેનો પણ નજીકનો સહયોગી ગણાતો હતો. બંબિહા ગેંગનો લીડર દવિંદર બંબિહા હતો જેનું 9 સપ્ટેમ્બર 2016ના દિવસે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જોકે દવિંદરના એન્કાઉન્ટર પછી તેની ગેંગના ઘણા લોકો વિદેશમાં જઈને સેટલ થઈ ગયા હતા. સુક્ખા કે જેની સામે 7 ગુનાઓ ભારતમાં દાખલ હતા તેણે પોલીસના કેટલાક અધિકારીઓની મદદથી બીજો પાસપોર્ટ બનાવડાવ્યો અને 2017માં કેનેડા ભાગી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યારપછી કેનેડામાં સુક્ખા અર્શના સંપર્કમાં આવ્યો હતો, જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સના માર્યા ગયેલા લીડર હરદીપ સિંહ નિજ્જરના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. NIAએ જૂન 10, 2021માં UAPA હેઠળ ફાઈલ થયેલી FIRમાં જણાવ્યું હતું કે અર્શ અને અન્ય ગુનેગારો નિજ્જરના કહેવા પર પંજાબમાં છેડતી અને હત્યા કરી રહ્યા હતા. ગયા વર્ષે 26 ઓગસ્ટના રોજ, સુક્ખા અને અન્ય કેટલાક ગુનેગારો પર UAPA હેઠળ હત્યા સહિતના ગુનાહિત કૃત્યો માટે ભારતમાં યુવાનોની ભરતી કરવા માટે એક જૂથ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ગુપ્તચર એજન્સીની રડારમાં આવ્યો
કેનેડામાં સુખાનું નામ માર્ચ 2022મા યુકે સ્થિત કબડ્ડી પ્લેયર સંદીપ નાંગલ અંબિયનની હત્યામાં શંકાસ્પદ તરીકે સામે આવ્યું હતું. મે મહિનામાં અંબિયન અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી જ ગુપ્તચર એજન્સીઓએ વિદેશમાં રહેતા ગેંગસ્ટરોના રેકોર્ડ અને પાસપોર્ટ શોધવાનું શરૂ કર્યું હતું. આ સમયે અર્શ અને સુક્ખા ગુનાના અનેક કેસોમાં મુખ્ય શકમંદ હોવાનું જણાયું હતું.

પંજાબ પોલીસની ગેંગસ્ટર વિરોધી ટાસ્કફોર્સે શોધી કાઢ્યું હતું કે સુક્ખાને મોગામાં પોસ્ટ કરાયેલા કેટલાક પોલીસની મિલીભગતથી બીજો પાસપોર્ટ મળ્યો હતો. 2022મા બે પોલીસ પર નિયમોને વળાંક આપીને સુખાની પાસપોર્ટ અરજી ક્લિયર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મોગાના એસએસપી જે એલેન્ચેઝિયાને જણાવ્યું હતું કે પંજાબ અને પછી કેનેડામાં સુખા ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે પ્રવેશ્યો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીની વિગતો મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે. તેની માતા અને બહેન તેની સાથે કેનેડામાં રહેતા હતા.

ખાલિસ્તાની ત્રાસવાદીના મામલે રાજકારણ કરવું ટ્રુડોને ભારે પડ્યુંઃ લોકપ્રિયતા તળિયે પહોંચી

Canada PM Justin Trudeau: કેનેડાએ ભારત સામે ગંભીર આરોપો મુક્યા તેના કારણે હવે બધા જસ્ટિન ટ્રુડો પાસેથી પૂરાવા માગે છે. પરંતુ કેનેડાના પીએમ આવા કોઈ પૂરાવા આપી શકતા નથી. આવા બેજવાબદાર નિવેદનોના કારણે કેનેડામાં પણ ટ્રુડોની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. માત્ર 33 ટકા લોકો હવે તેમના સમર્થનમાં છે જ્યારે બાકીના લોકો વિરોધમાં છે.

હાઈલાઈટ્સ:

  • ભારતમાં મોદી સરકારે નેશનલ સિક્યોરિટી માટે સખત વલણ અપનાવ્યું છે
  • કેનેડામાં વિદેશી ત્રાસવાદીઓને શરણ મળે છે તેવી છાપ પેદા થઈ રહી છે
  • જસ્ટિન ટ્રુડો પોતાના દાવાના સમર્થનમાં કોઈ પૂરાવા આપી શક્યા નથી

Canada PM Justin Trudeau: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ત્રાસવાદીની હત્યાના કેસમાં ભારત પર આરોપો મુક્યા તેના કારણે ટ્રુડોને જ નુકસાન થયું છે. ભારતની વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં ટ્રુડોએ જે રીતે આરોપો મુક્યા તેના કારણે કેનેડાની શાખ ખરડાઈ છે. કેનેડા જેવા દેશમાં વિદેશી ત્રાસવાદીઓને શરણ મળે છે તેવી છાપ હવે પેદા થઈ રહી છે. કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે.

યુનાઈટેડ નેશન્સમાં વિવિધ દેશોનો ટેકો મળવા છતાં જસ્ટિન ટ્રુડો પોતાના દાવાના સમર્થનમાં કોઈ પૂરાવા આપી શક્યા નથી. આ ઉપરાંત તેમને ઘરઆંગણે પણ રાજકારણમાં નુકસાન થયું છે અને તેમની લોકપ્રિયતાનું રેટિંગ ઘટી ગયું છે.

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના રાજકારણમાં ટકી રહેવા માટે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે ઉલ્ટાના કેનેડા સામે સવાલ થવા લાગ્યા છે. દુનિયાના તમામ દેશો ત્રાસવાદ સામે લડવા માટે એક થઈ રહ્યા છે ત્યારે કેનેડા કેમ ઉગ્રવાદીઓને શરણ આપે છે તેવા સવાલ પેદા થયા છે.

ભારતમાં મોદી સરકારે નેશનલ સિક્યોરિટી માટે એક સખત વલણ અપનાવ્યું છે તેની સામે વિશ્વનું ધ્યાન ગયું છે. આ ઉપરાંત ભારતમાં લઘુમતીઓ સાથે થઈ રહેલો વ્યવહાર પણ ચર્ચામાં આવ્યો છે. કેનેડાના વડાપ્રધાને બુધવારે યુએનમાં સપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ મુક્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોય તેવા નક્કર આરોપો છે. પરંતુ તેમની પાસે નક્કર પૂરાવા હોય તેમ લાગતું નથી.

કેનેડાના અધિકારીઓએ કહ્યું કે જસ્ટિન ટ્રુડોએ કેન્યા, ચિલી, ઈટાલી, જર્મની અને યુરોપીયન યુનિયનના અધિકારીઓ સાથે વાત કરી હતી. પરંતુ સત્તાવાર ડોક્યુમેન્ટમાં કોઈ વધારે વિગત આપવામાં આવી નથી. ટ્રુડોએ જે દેશો સાથે વાત કરી તેમણે પણ ભારત વિશે કંઈ કહ્યું નથી.

હવે કેનેડિયન મીડિયાની નજર જસ્ટિન ટ્રુડોની ભાષા પર ગઈ છે જેમાં કંઈ સ્પષ્ટ સમજાતું નથી. ટ્રુડોએ ભારતીય એજન્સીઓની “કથિત લિન્ક” અને “કહેવાતા આરોપો”ની વાત કરી છે. તેના પરથી લાગે છે કે આગામી ચૂંટણીમાં તેમને પરાજયનો ભય સતાવે છે અને તેથી ખાલિસ્તાન તરફી લોકોના મત મેળવવા પ્રયાસ કરે છે. કેનેડાના અખબાર નેશનલ પોસ્ટે લખ્યું કે ટ્રુડોએ જે આરોપો મુક્યા છે તે હજુ સુધી પૂરવાર નથી થયા તે યાદ રાખવું જોઈએ. ટ્રુડોએ અસ્પષ્ટ ભાષા વાપરી છે અને તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. તેમણે નક્કર પૂરાવા વગર આવો આરોપ મુક્યો હશે તો તે બહુ મોટું સ્કેન્ડલ ગણાશે.

તાજેતરમાં કેનેડામાં ટ્રુડોની લોકપ્રિયતાનો સરવે કર્યો હતો જેમાં તેનું એપ્રૂવલ રેટિંગ ઘટીને માત્ર 33 ટકા રહી ગયું છે. લગભગ 63 ટકા કેનેડિયનો ટ્રુડોને વડાપ્રધાન તરીકે પસંદ કરતા નથી. તેમની લિબરલ પાર્ટીની સરકાર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના 24 સાંસદોના ટેકાથી ચાલી રહી છે જેના નેતા જગમીત સિંહ ખાલિસ્તાન તરફી હોવાનું કહેવાય છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જેના ઈશારે નાચે છે તે ખાલિસ્તાન તરફી જગમીત સિંહ કોણ છે?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત વિરોધી વલણ માટે Jagmeet Singh ને જવાબદાર ગણવામાં આવે છે. ખાલિસ્તાન તરફી કટ્ટરવાદીઓનો ટેકો મેળવવા માટે તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. ટ્રુડોને અત્યારે જગમીત સિંહ જ દોરી રહ્યા છે તેમ માનવામાં આવે છે. ટ્રુડોની સરકારને ટકાવી રાખવા માટે પણ શીખ કટ્ટરવાદીઓના ટેકાની જરૂર પડી છે.

હાઈલાઈટ્સ:

  • ખાલિસ્તાન સમર્થકોના વોટ મેળવવા માટે જગમીત અને જસ્ટિન ટ્રુડો ભાગીદાર બની ગયા
  • જગમીત મૂળ એક વકીલ છે. વર્ષ 2017માં તે એનડીપીના લીડર તરીકે ચૂંટાયા હતા.
  • જગમીત સિંહના ભારત વિરોધી વલણ વિશે શરૂઆતમાં કોઈને ખબર ન હતી

Jagmeet Singh profile: કેનેડા જેવા શાંતિપ્રિય દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન સમર્થકોને જે રીતે પંપાળે છે તેનાથી સૌને આશ્ચર્ય થયું છે. એક સમયે પંજાબમાં ખાલિસ્તાનની ચળવળે હાહાકાર મચાવ્યો હતો અને બે દાયકામાં આશરે 30,000થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. તે સમયે પોલીસે આકરી કાર્યવાહી કરતા હજારો ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં શરણ લીધી હતી. છેલ્લા અઢી દાયકાથી શાંત પડી ગયેલી ચળવળને હવે ફરીથી સક્રિય કરવાના પ્રયાસ ચાલુ છે અને તેમાં કેનેડા સરકારનો ટેકો મળી રહ્યો છે.

કેનેડાના પીએમ Justin Trudeau પર હાલમાં જગમીત સિંહ નામના ભારતીય મૂળના નેતાનો પ્રભાવ છે જેઓ 2017થી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના વડા છે. શરૂઆતમાં તેઓ એકબીજાના હરીફ હતા પરંતુ હવે ખાલિસ્તાન સમર્થકોના વોટ મેળવવા માટે તેઓ ભાગીદાર બની ગયા છે. 2021ની ચૂંટણી પછી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જગમીત સિંહની એનડીપીના ટેકાથી સરકાર બનાવી હતી. હવે સ્થિતિ એવી છે કે ટ્રુડોની સરકારનું અસ્તિત્વ જ જગમીતના ટેકા પર આધારિત છે.

જગમીત સિંહના હાથમાં અત્યારે ટ્રુડોનો દોરીસંચાર છે તેમ કહી શકાય. જગમીત સિંહ ખાલિસ્તાની પોલિટિક્સનો પહેલેથી સપોર્ટર રહ્યો છે. એનડીપીએ ટ્રુડોની સરકારને ટેકો આપ્યો તે અગાઉ ટ્રુડો ખાલિસ્તાનીઓના વોટ મેળવવા ઘણા સમયથી પ્રયાસ કરતા હતા. હવે તેમણે ઈચ્છાથી કે અનિચ્છાએ ભારત વિરોધી દેખાવ કરવો પડે તેમ છે. સ્થિતિ એવી છે કે કેટલાક વોટ મેળવવા અને પોતાની સરકારને બચાવવા માટે જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધો બગાડવા માટે તૈયાર થયા છે.

કેનેડાના રાજકારણમાં જગમીતનો ઉદય કેવી રીતે થયો?
જગમીત મૂળભૂત રીતે એક વકીલ છે અને વર્ષ 2017માં તે એનડીપીના લીડર તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેમની ઉંમર 44 વર્ષ છે. તેઓ ઘણા વર્ષથી ધારાસભ્ય છે અને હવે કેનેડામાં કોઈ મહત્ત્વની રાજકીય પાર્ટીના વડા તરીકે નોન-વ્હાઈટ રાજકારણીની પસંદગી થઈ હોય તેવું પહેલી વખત બન્યું છે. એનડીપી એ કેનેડામાં ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે. 2019માં તે ટ્રુડોની લિબરલ પાર્ટીની સામે પોતાના પક્ષને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા હતા. એટલે કે તેઓ પોતાની પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર હતા. કેનેડામાં વસતા ભારતીય સમુદાય માટે આ બહુ મોટી વાત હતી. ભારતીય મીડિયાએ પણ તેની સફળતાના વખાણ કરતા અનેક લેખ લખ્યા હતા. જગમીત સિંહે કહ્યું કે તે ક્લાઈમેટ ચેન્જ અને ચૂંટણી વિષયક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ તેનો વાસ્તવિક ચહેરો હવે બહાર આવ્યો છે.

જગમીત સિંહ એનડીપીના વડા તરીકે ચૂંટાયા તેમાં પણ વિવાદ થયો હતો. જગમીતને 53.6 ટકા વોટ મળ્યા હતા પરંતુ તેમાં ચેડા કરવામાં આવ્યા હોય તેવી શક્યતા છે કારણ કે તેણે જીતવા માટે પોતાના સમુદાયના હજારો લોકોનું રજિસ્ટ્રેશન કરાવીને તેમનો ટેકો લીધો હતો.

જસ્ટિન ટ્રુડો પર પ્રભાવ જમાવનાર જગમીતનો જન્મ ઓન્ટારિયોમાં 1979માં થયો હતો. તેના માતાપિતા પંજાબથી કેનેડા આવ્યા હતા. તેણે 2001માં વેસ્ટર્ન ઓન્ટારિયો યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી અને ત્યાર પછી 2005માં લોની ડિગ્રી મેળવી હતી. તે રાજકારણમાં પ્રવેશ્યો તે અગાઉ ગ્રેટર ટોરન્ટોમાં ક્રિમિનલ ડિફેન્સ લોયર તરીકે કામ કરતો હતો.

જગમીત સિંહના ભારત વિરોધી વલણ વિશે શરૂઆતમાં કોઈને ખબર ન હતી. બહુ ઓછા લોકો જાણે છે કે 2013માં તેને ભારત આવવું હતું પરંતુ ઉગ્રવાદીઓ સાથે તેના સંબંધોના કારણે ભારતે વિઝા આપ્યા ન હતા. ચૂંટણી જીત્યા પછી તેને પૂછવામાં આવ્યું કે એર ઈન્ડિયાનું વિમાન બોમ્બથી ઉડાવી દેવાના કેસના આરોપીના ફોટા ગુરુદ્વારામાં રાખવામાં આવે તે યોગ્ય ગણાય કે નહીં? ત્યારે જગમીતે તેનો જવાબ ‘ના’માં આપ્યો ન હતો. તેના બદલે તેણે કહ્યું કે વિમાનમાં બોમ્બ મુકવા માટે કોણ જવાબદાર હતા તે હું જાણતો નથી.

કેનેડામાં ભણતા અમારા બાળકોનું શું? ચિંતાતુર વાલીઓએ સવાલોનો મારો ચલાવ્યો

Indian Students in Canada: ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે તેમાં ઘણા સ્ટુડન્ટને કેનેડામાં ભણતા સંતાનોની સુરક્ષાની ચિંતા છે. જોકે કન્સલ્ટન્ટ માને છે કે આ સ્થિતિ કામચલાઉ છે અને થોડા જ સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. કેનેડામાં બહારથી ભણવા આવતા વિદ્યાર્થીઓમાં લગભગ 40 ટકાથી વધારે ભારતીયો હોય છે. હાલમાં સેફ્ટીને લગતું કોઈ જોખમ જણાતું નથી.

હાઈલાઈટ્સ:

  • હાયર એજ્યુકેશન માટે ભારતીયો ઘણા સમયથી કેનેડાને ખાસ પસંદ કરે છે
  • ગયા વર્ષે ભારતથી લગભગ 2.26 લાખ સ્ટુડન્ટ ભણવા માટે કેનેડા ગયા હતા.
  • કેનેડામાં 2022માં 5.51 લાખ વિદ્યાર્થીઓ ગયા જેમાં 41 ટકા ભારતીયો હતા.
indian student in canada
ભારતીય વાલીઓને કેનેડામાં તેમના સંતાનોની ચિંતા છે.

Indian Students in Canada: ભારત અને કેનેડાના સંબંધોમાં અચાનક એવી કડવાશ આવી ગઈ છે કે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટની છટણી કરી ત્યાર પછી પોતપોતાના નાગરિકોને સાવધાન રહેવા પણ સૂચના આપી છે. ભારતે આજે કેનેડાના નાગરિકોને વિઝા સર્વિસ આપવાનું બંધ કરી દીધું હતું અને ફરી શરૂ કરી દીધું છે. આ દરમિયાન કેનેડામાં જેમના સંતાનો ભણે છે તેમના વાલીઓમાં ખાસ ચિંતા જોવા મળે છે.

હાયર એજ્યુકેશન માટે ભારતીયો કેનેડાને ખાસ પસંદ કરે છે કારણ કે તેના વિઝા અને પીઆર સરળતાથી મળી જાય છે. હવે કેનેડામાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્સના વાલીઓ ચિંતિત છે અને કન્સલ્ટન્ટ્સને સવાલો કરી રહ્યા છે.

કેટલાક એડમિશન કન્સલ્ટન્ટે વાલીઓના પ્રશ્નોનો સામનો કર્યો છે ત્યારે મોટા ભાગનાએ કહ્યું છે કે ભારત-કેનેડાના સંબંધોમાં પડેલી તિરાડ કામચલાઉ છે અને તેનાથી કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને કોઈ વાંધો નહીં આવે. ગયા વર્ષે ભારતથી લગભગ 2.26 લાખ સ્ટુડન્ટ ભણવા માટે કેનેડા ગયા હતા. અત્યાર સુધીમાં આ એક રેકોર્ડ બન્યો છે. કેનેડામાં જે વિદેશી સ્ટુડન્ટ્સ છે તેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. બીજા નંબર પર ચીન છે પરંતુ તેના સ્ટુડન્ટની સંખ્યા માત્ર 51,000ની આસપાસ છે. એટલે કે ભારત બધા દેશો કરતા ઘણું આગળ છે. કેનેડામાં 2022માં કુલ 181 દેશોમાંથી 5.51 લાખ વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા હતા જેમાંથી 41 ટકા ભારતીયો હતા.

એક એડમિશન કન્સલ્ટન્ટે જણાવ્યું કે કેનેડામાં જેના બાળકો ભણે છે કે તેવા પરિવારો અત્યારે ચિંતિત છે. જિયોપોલિટિકલ ટેન્શન વધે ત્યારે માતાપિતા ચિંતિત થાય તે સ્વભાવિક છે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં કોઈ પણ પ્રકારની અસર પડે તેવી શક્યતા ઓછી છે.

આ ઉપરાંત જે સ્ટુડન્ટ્સ આવતા વર્ષે કેનેડા ભણવા જવા માગે છે તેઓ પણ જાતજાતની પૂછપરછ કરી રહ્યા છે. કેટલાક સ્ટુડન્ટે કેનેડાના બદલે યુકે અથવા યુએસએ ભણવા જવાનું નક્કી કર્યું છે. જો આવી જ રીતે સ્થિતિ વકરતી જશે તો ભારતીયો પોતાના એડમિશન કેન્સલ કરાવીને યુકે અથવા અમેરિકા જાય તેવી શક્યતા વધારે છે.

કેનેડા માટે ભારતીય સ્ટુડન્ટ સૌથી મોટા ક્લાયન્ટ સમાન છે અને તેને ત્યાં કોઈ નુકસાન પહોંચાડે તેવી સંભાવના ઘણી ઓછી છે. એક્સપર્ટનું કહેવું છે કે મીડિયામાં ચગાવવામાં આવે છે તેવું કંઈ હોતું નથી અને ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લગતી કોઈ ચિંતા નથી. ભારતે આજે અચાનક કેનેડાના નાગરિકોને વિઝા સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, અમુક સમય પછી આ સૂચના વિઝા ઈશ્યૂ કરનારી કંપનીની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી.

અમેરિકન કોર્ટેના આદેશથી ભારતીયો ચિંતામાંઃ ડિપોર્ટ થવું પડશે કે હાલ પૂરતા બચી જશે?

અમેરિકામાં DACA પ્રોગ્રામ ગેરકાયદે છે તેવું એક કોર્ટનું કહેવું છે. તેના કારણે લોકોને ડિપોર્ટ કરવામાં આવશે કે તેમની વર્ક પરમિટ છીનવી લેવામાં આવશે તેવી વાતો થઈ છે. પરંતુ હાલમાં આવી કોઈ યોજના નથી. બાળપણમાં ગેરકાયદે રીતે અમેરિકા પહોંચેલા લોકોને આ સ્કીમ લાગુ થાય છે. અમેરિકામાં 6.30 લાખ ભારતીયો એવા છે જેઓ અનડોક્યુમેન્ટેડ છે.

હાઈલાઈટ્સ:

  • અમેરિકામાં ઓછામાં ઓછા 6.30 લાખ ભારતીયો છે જેઓ અનડોક્યુમેન્ટેડ છે.
  • 2010થી અત્યાર સુધીમાં આવા ભારતીયોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે.
  • હાલમાં લગભગ 4300 સાઉથ એશિયન DACA ધારકો છે.
indians in usa.
અમેરિકામાં ભારતીયોને આ ચુકાદાથી અસર થવાની શક્યતા છે.

અમેરિકામાં બાળપણમાં ઇમિગ્રન્ટ તરીકે આવેલા લાખો ભારતીયોને કોર્ટના એક ચુકાદાની અસર થાય તેવી શક્યતા છે. અહીંની એક ડિસ્ટ્રીક્ટ કોર્ટે ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ એરાઈવલ્સ (DACA) પ્રોગ્રામને ગેરકાયદે જાહેર કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ લાખો ભારતીયો યુએસમાં વસ્યા છે અને તેઓ ડિપોર્ટેશનથી બચી ગયા છે. કોર્ટે આ પ્રોગ્રામનો વિરોધ કર્યો છે, પરંતુ સદનસીબે DACA મેળવનારા 5.80 લાખ લોકોને ડિપોર્ટ કરવાનો કે તેમની વર્ક પરમિટ છીનવી લેવાનો આદેશ નથી આપ્યો.

અમેરિકન સરકારની એક પોલિસી પ્રમાણે ડોક્યુમેન્ટ વગર પકડાયેલા ઈમિગ્રન્ટને ડિપોર્ટ કરી શકાતા નથી, પરંતુ હ્યુસ્ટનની કોર્ટે આ પોલિસીને ગેરકાયદે ગણાવી છે. તેમાં એવા લોકો પણ છે જેઓ બાળપણમાં અમેરિકા આવ્યા હતા અને હજુ સુધી ગેરકાયદે જ ગણાય છે. જોકે, કોર્ટે કહ્યું કે અમેરિકન સરકાર આવા ઇમિગ્રન્ટના DACA કાગળિયા રિન્યૂ કરી શકે છે. કોર્ટના આ ચુકાદાના કારણે લગભગ 6.30 લાખ ભારતીયોને અસર થઈ શકે છે.

બરાક ઓબામા યુએસના રાષ્ટ્રપતિ હતાત્યારે ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ એરરાઈવલ (DACA) પ્રોગ્રામ ઘડવામાં આવ્યો હતો. અમેરિકન ડિસ્ટ્રીક્ટ કોર્ટના એક જજે આ કાર્યક્રમને અયોગ્ય ગણવામાં આવ્યો છે.

અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર પકડાયેલા ગેરકાયદે લોકોને ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. DACAની નીતિ પ્રમાણે તેમને ડિપોર્ટ કરવામાં આવતા નથી તથા તેમને વર્ક પરમિટ મળી રહે છે. ડિસ્ટ્રીક્ટ જજ હેનને આવા લોકોને ડિપોર્ટ કરવાનો આદેશ નથી આપ્યો. તેમજ તેમની વર્ક પરમિટ પણ રદ કરવાનું ટાળ્યું છે જે રાહતની બાબત છે.

સાઉથ એશિયન અમેરિકન્સ લિડિંગ ટુગેધર (SAALT)ના 2019ના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ઓછામાં ઓછા 6.30 લાખ ભારતીયો એવા છે જેઓ અનડોક્યુમેન્ટેડ છે. 2010થી અત્યાર સુધીમાં આવા ભારતીયોની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. હાલમાં લગભગ 4300 સાઉથ એશિયન DACA ધારકો છે. ઓગસ્ટ 2018ના આંકડા પ્રમાણે લગભગ 2550 એક્ટિવ ઈન્ડિયન DACA ધારકો છે. DACA પાત્રતા ધરાવતા કુલ 20,000 લોકોમાંથી માત્ર 13 ટકાએ ડીએસીએ માટે અરજી કરીને DACA મેળવ્યું છે. 2012થી અત્યાર સુધીમાં અમેરિકાની સાઉથ બોર્ડર પાર કરીને દેશમાં ઘુસેલા અથવા ઓવરસ્ટે કરનારા લાખો ઈમિગ્રન્ટને અમેરિકામાં રહેવાની અને કામ કરવાની મંજૂરી આપી છે અને તેમને ક્યારેય દેશમાંથી બહાર ડિપોર્ટ કરવાની બીક બતાવવામાં આવી નથી. તેમણે માત્ર ચોક્કસ ધોરણોનું પાલન કરવાનું રહેતું હતું.

અમેરિકન સરકારે જણાવ્યું કે કોર્ટના ચુકાદાથી તેઓ નિરાશ થયા છે. યુએસ પ્રેસિડન્ટ જો બાઈડેને DACAને આંચ ન આવે તે માટે તમામ પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.

ડિસ્ટ્રીક્ટ કોર્ટે DACAને ગેરકાયદે ગણાવ્યું તેનાથી ઘણા લોકો નારાજ છે. એક અધિકારીએ જણાવ્યું કે DACA અંગે કોર્ટના ચુકાદાથી અમે સહમત નથી. અમે આ મહત્ત્વની પોલિસીનો બચાવ કરવાનું ચાલુ રાખીશું. આ દરમિયાન હાલના DACA ધારકોના કાગળ રિન્યુ કરવાનું ચાલુ રહેશે. હવે આ મામલો અમેરિકન કોંગ્રેસમાં પહોંચશે અને તેનો કાયમી ઉકેલ લાવવા માટે આગ્રહ કરવામાં આવશે જેથી લોકો પર ડિપોર્ટેશનનું જોખમ ન રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments