Wednesday, November 20, 2024
HomeGujarati News15 વર્ષની છોકરી અને 29 વર્ષના યુવાનની લવસ્ટોરીનો લોહિયાળ અંત:રસોડામાં પ્રેમિકાને ગળામાં...

15 વર્ષની છોકરી અને 29 વર્ષના યુવાનની લવસ્ટોરીનો લોહિયાળ અંત:રસોડામાં પ્રેમિકાને ગળામાં વાયરથી ટૂંપો દીધો, ખાટલામાં સુવડાવી ગોદડું ઓઢાડી દીધું

ખેરગામ પાસે આવેલા એક ગામમાં 15 વર્ષ અને 10 મહિનાની ઉંમર છોકરી રહેતી હતી. ધોરણ 10મા અભ્યાસ કરતી આ છોકરીનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે તે દૂધ ભરવવા માટે તેના ગામથી નજીક આવેલા ગૌરી ગામમાં જતી હતી. આ દરમિયાન ગૌરી ગામનો 29 વર્ષની ઉંમરનો રસિક પટેલ નામનો યુવાન રીતુ (સગીરાનું નામ બદલ્યું છે)ને આવતા જતાં જોતો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. જો કે છોકરી માટે આ પ્રેમ કાચી વયનો પ્રેમ હતો જ્યારે છોકરો તો યુવાન હોવાની સાથે સાથે રીતુ કરતાં લગભગ બમણી ઉંમરનો હતો. પરંતુ પ્રેમ ક્યાં ઉંમર જુએ છે.

શું છે ઘટના
ખેરગામ તાલુકામાં સગીરાને રસિક રમેશભાઈ પટેલ નામનો યુવાન લલચાવી ફોસલાવી ભગાવી ગયો હતો. પોતાની પાસે સાત મહિના રાખી કિશોરી ફરીવાર પોતાના ઘરે આવી હતી અને યુવાન સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા યુવાને વારંવાર કિશોરીને પોતાને ઘરે લાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. જેમાં તેને સફળતા મળી ન હતી. 25મી સપ્ટેમ્બરના રોજ કિશોરીને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના ઘરે આવેલા યુવાને ફરીવાર પોતાની સાથે ઘરે આવવા કિશોરીને મનાવી હતી. પરંતુ તે માની ન હતી. જેથી રસિક પટેલે એક ખૌફનાક ષડ્યંત્રને અંજામ આપ્યો.

સગીરા અને તેનાથી બમણી ઉંમરના યુવક વચ્ચેની આ પ્રેમકહાની કેવી રીતે શરૂ થઈ અને સાત મહિના સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ આ લવસ્ટોરીનો શું અંજામ આવ્યો? તે અંગે જાણવા દિવ્ય ભાસ્કરે ખેરગામ પોલીસ સ્ટેશનના PSI ડી.આર.પઢેરિયા સાથે સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

‘તું 18 વર્ષની થઈશ ત્યારે તારા રસિક સાથે લગ્ન કરાવી દઇશું’
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વિસ્તારથી જણાવતા ખેરગામ પોલીસ સ્ટેશનના PSI ડી.આર.પઢેરિયા કહે છે કે, બન્ને વચ્ચેનો પ્રેમસંબંધ ધીમે ધીમે ગાઢ બનવા લાગ્યો અને જ્યારે રીતુ (નામ બદલ્યું છે) સ્કૂલે જતી ત્યારે રસિક તેને મળવા લાગ્યો. બન્ને વચ્ચેની આ મુલાકાતો સમય જતા વધવા લાગી. બન્ને વચ્ચે 7 મહિનાથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. થોડા સમય બાદ આ પ્રેમસંબંધોની જાણ રીતુનાં પરિવારજનોને થઈ ગઈ. પરંતુ રીતુની ઉંમર માત્ર 15 વર્ષની હતી એટલે તેનાં માતા-પિતા કહેતાં હતાં કે, ‘તું જ્યારે 18 વર્ષની થઈશ ત્યારે તારા રસિક પટેલ સાથે લગ્ન કરાવી દઇશું’. જોકે રીતુ હવે રસિક વગર રહી શકતી નહોતી. જેથી તે પરિવારજનોને છોડીને ગૌરી ગામ ખાતે રહેતા પ્રેમી એવા રસિક પટેલના ઘરે જતી રહી હતી અને બંને સાથે રહેવા લાગ્યાં હતાં. આમ ગૌરી ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રસિક તેનાં માતા-પિતાની સાથે સાથે પ્રેમિકા એવી રીતુ સાથે પણ રહેવા લાગ્યો હતો.

‘મારે તારી સાથે નથી આવવું’
‘પ્રેમી રસિક સાથે રહેવા દરમિયાન રીતુ થોડા થોડા સમયે માતા-પિતાને મળવા માટે તેમના ઘરે જતી હતી. જ્યારે રીતુ તેનાં માતા-પિતાને મળવા જતી ત્યારે એનાં માતા-પિતા દીકરી રીતુને સમજાવતા કે ‘તારી ઉંમર નથી તારી ઉંમર થશે એટલે તારા લગ્ન કરાવી દઇશું તું અહીં રહે’. ત્યાર બાદ રીતુને માતા-પિતાની આ વાત સમજાવા લાગી એટલે તે તેનાં માતા-પિતા સાથે સહમત થઈ. માત્ર એટલું જ નહીં, પ્રેમી રસિક જ્યારે કામે જાય ત્યારે રીતુ તેનાં માતાને મળવા લાગી. આમ હવે રીતુને તેની ભૂલ સમજાતાં લાંબો સમય રસિક સાથે રહેવાના બદલે માતા-પિતા સાથે જ રોકાવા લાગી હતી. તાજેતરમાં રીતુએ પ્રેમી રસિકને કહ્યું કે, ગણેશ ચતુર્થી હોવાથી હું મારાં માતા-પિતાના ઘરે રોકવવા માટે જાઉં છું, તેમ કહીને માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. જોકે ગણેશ ચતુર્થીનો તહેવાર હવે પૂર્ણ થઈ રહ્યો હોવાથી રસિક પટેલ 23 સપ્ટમ્બર, 2023ની સાંજે તેનું બાઇક લઈને તેના ગામથી રીતુના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ રસિકે પ્રેમિકા રીતુને કહ્યું કે ‘હું તને લેવા આવ્યો છું, તું મારી સાથે આપણા ઘરે ચાલ’ જોકે રીતુએ કહ્યું કે ‘મારે તારી સાથે નથી આવવું’. રીતુને પોતાની ભૂલનું ભાન થતાં કોઈપણ સંજોગોમાં રસિક સાથે જવા માટે તૈયાર નહોતી. જેથી બન્ને વચ્ચે 23 સપ્ટેમ્બરે આ વાતચીત પછી રાત્રે રસિક પ્રેમિકા રીતુના ઘરે જ સૂઈ ગયો’.

આ નિર્ણય કરી રસિક ઊંઘી ગયો
‘જ્યારે રસિક ઊંઘી ગયો ત્યારે તેણે નિર્ણય કરી લીધો કે, બીજા દિવસે સવારે ઊઠીને રીતુને કોઈપણ કાળે પોતાની સાથે લઈ જવી છે અને તેના માટે તેણે રીતુને કહ્યું હતું કે ‘મારી બહેનનાં સાસુ 1 મહિના પહેલાં મૃત્યુ પામ્યાં છે એ તને ખબર જ છે. જેથી બહેનને આપણે ઘરે લાવવી પડે અને રિવાજ પ્રમાણે બેનની સાસરીમાં કોઈનું મૃત્યુ થાય તો બેનને પિતાના ઘરે લાવવી પડે અને એ આવે તો કોઈ સાચવે એવું નથી. આપણે બેનને લઈ આપણા ઘરે મૂકતા આવીએ એટલે તું આવતી રહેજે પછી વાંધો નહીં, માત્ર આટલો સમય તું આપણા ઘરે આવ’. જોકે આ વાતચીત દરમિયાન રીતુનાં માતા-પિતાએ રસિક સાથે જવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. પરંતુ 24 સપ્ટેમ્બરની સવારે માતા-પિતા જ્યારે ઘરમાં કામ કરતાં હતાં ત્યારે રસિક પ્રેમિકા રીતુને ફોસલાવીને તેના બાઇક પર લઈને નીકળી ગયો. તેનું બાઇક બેનના ઘરે જવાના બદલે સીધું જ ગૌરી ગામમાં આવેલા નિશાળ ફળિયામાં આવેલા તેના ઘરે આવીને બ્રેક મારે છે. ત્યાર બાદ બાઇક પાર્ક કરીને નીચે ઊતરી ઘરમાં પ્રવેશે છે’.

‘તું આવી જ છે તો ઘરે રોટલીને એવું બનાવી દે’
‘રસિકના પરિવારમાં તેનાં માતા-પિતા અને એક બહેન છે . જેમાં બેનનાં લગ્ન થઈ ગયા હોવાથી સાસરે હતી. જ્યારે તેનાં માતા-પિતા શાકભાજીની ખેતી કરે છે અને રસિક સેન્ટ્રિંગનું કામ કરે છે એટલે રસિક અને રીતુ જ્યારે ઘરે પહોંચ્યાં ત્યારે એનાં માતા-પિતા ઘરે હાજર હતાં. આ સમયે રસિકે ઘરમાં રહેલી માતાને ખેતરમાં જઈને ઘાસ લઈ આવ એવું કહેતા રસિકની માતા બાજુમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા માટે ગઈ હતી. તેમજ પિતા ઘરના આંગણામાં બેઠા હતા. બીજી બાજુ રસિકે પ્રેમિકા રીતુને કહ્યું કે તું આવી જ છે તો ઘરે રોટલીને એવું બનાવી દે. જેથી રીતુ ઘરમાં રોટલી બનાવવા માટે ગઈ. આમ ઘરે અંદર કોઈ ના હોવાના કારણે રસિકે તક જોઈને રસોડામાં એન્ટ્રી કરી’.

‘સગીરાના ગળામાં વાયરની આંટી દબાવી દીધી’
‘ત્યાર બાદ રસિકે રસોડામાં શાકભાજી ઉગાડવવા માટેના વાયરો પડેલા હતા. બીજી બાજુ રસિક સેન્ટ્રિંગનું કામ કરતો હોવાથી વાયર કઈ રીતે તોડવો તેની ખબર હતી એટલે તેમણે રસોડામાં જઈને જે વાયરનું ગૂંચળું હતું તેમાંથી હાથથી કાપીને વાયર હાથમાં લીધો. જ્યારે રીતુને એમ હતું કે રસિક સેન્ટ્રિંગનું કામ કરતો હતો એટલે એનું કામ કરતો હશે તેમ સમજીને રોટલી બનાવી રહી હતી. આ દરમિયાન રસિકે વાયરની આંટી મારીને રીતુના ગાળામાં નાંખીને દબાવી દીધી, જેના કારણે રીતુ અવાજ પણ ના કાઢી શકી અને બચાવવા માટે બૂમો પણ ના પાડી શકી. થોડો સમય આ રીતે દબાવી રાખવાથી રીતુનાં મોઢા અને નાકમાંથી લોહી નીકળી ગયું હતું પછી એને લાગ્યું કે, રીતુ મરી જશે તો શું થશે એવા ડરથી તેને ઊંચકીને ઘરના આગળના ભાગમાં ખાટલામાં સુવાડી દીધી. જો એની માતા અથવા કોઈ આજુબાજુની વ્યક્તિ આવે તો લોહી નીકળેલું હોવાથી ખબર પડી જાય, આ ડરના કારણે રસિકે રીતુને ખાટલામાં સુવડાવી તેના પર ચાદર ઓઢાડી દીધી. ત્યારબાદ તેના બાઈકની ચાવી લઈ તેનું બાઇક ચાલુ કરીને એની 5થી 10 કિલોમીટર દૂર રહેતી તેની બેનના ઘરે ભાગી ગયો હતો’.

પ્રેમીની માતાએ ચાદર ઉપાડીને જોયું તો હોશ ઊડી ગયા
‘થોડીવાર પછી રસિકની માતા જ્યારે ખેતરમાંથી ઘાસ લઈને ઘરે આવી ત્યારે તેણીએ જોયું તો રીતુ ઘરના આગળના ભાગમાં ખાટલમાં ચાદર ઓઢીને સૂતી હતી અને કોઈ હલનચલન કરતી ન હોવાથી તેણીએ ચાદર ઉપાડીને જોયું તો મોઢાના ભાગે લોહી નીકળેલું હતું. ત્યાર બાદ આજુબાજુમાં જોયું તો દીકરો રસિક ઘરે નહોતો. રસિક એની બેનને તેડવા જવાનું કહેતો હતો એટલે એ તેડવા ગયો હશે અને એકલી રીતુએ આત્મહત્યા કરી હશે એમ માનીને રસિકની માતાએ ગામના સરપંચને જાણ કરી કે રીતુએ આમહત્યા કરી લીધી હોય એવું લાગે છે. ત્યાર બાદ તાત્કાલિક રીતુને ધરમપુર હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાંથી ખેરગામ પોલીસને જાણ કરી. આ અંગે જાણ થતાં રીતુનાં માતા-પિતા પણ ધરમપુર હોસ્પિટલ પહોંચી ગયાં’.

રસિક ઘરે ન આવ્યો ને પોલીસને શંકા ગઈ
‘તો બીજી તરફ ખેરગામ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. રસિકના માતાએ આત્મહત્યાની વાત કરી હતી એટલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. જોકે રીતુની ડેડબોડી જોતાં તેના ગાળાને ભાગે ઇજાનાં નિશાન હતાં એટલે ગળેફાંસો ખાધો છે કે કેમ જેવા અનેક પ્રશ્નો અમારી સામે હતા. આ હત્યા છે કે આત્મહત્યા તે વખતે કંઈ કહી શકાય તેમ નહોતું એટલે અમે રીતુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું . પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક અનનેચરલ સ્ટ્રેંગ્યુલેશન (ગળું દબાવી દેવું) આવ્યું. જો કોઈએ ગળેફાંસો ખાધો હોય તો તેના બે પ્રકાર છે એક હેગિંગ અને સ્ટ્રેંગ્યુલેશન. જેમાં હેંગિગ એટલે ઉપરથી કોઈ હૂક પર કંઈક બાંધીને લટકી જાય અને સ્ટ્રેગ્યુલેશન એટલે ગળામાં બાંધીને બંને સાઇડમાં અથવા આગળ પાછળ ખેંચે તો એને સ્ટ્રેગ્યુલેશન કહેવાય. હવે આ સ્ટ્રેગ્યુલેશન કોઈ જાતે ન કરી શકે કોઈએ ગળેટૂંપો દીધો હોય તો જ થાય. એના આધારે અમે આજુબાજુના લોકો અને રસિક અને રીતુનાં પરિવારજનોનાં નિવેદન લીધાં અને એમાં સામે આવ્યું કે છેલ્લે રસિક જ રીતુ સાથે હતો પણ આ ઘટના બાદ તે ઘરે નથી આવ્યો. જેથી અમે તેની શોધખોળ હાથધરી હતી’.

‘બેનની ઘરથી દૂર આવેલા ખેતરમાં રસિક બેઠો હતો’
‘અમારી પોલીસની ટીમ રસિકની બહેનને ઘરે પહોંચી ત્યારે અમને જાણવા મળ્યું કે, તે 24 તારીખે આ ઘટના બની પછી આવ્યો હતો, અમે એનાં બેન અને બનેવીને કીધું કે એને કહો એ સુસાઇડ ના કરી લે એનો કોઈ વાંક નથી. આ રીતુ તો મરી ગઈ અને હવે એ પણ મરી જશે તો? અમારે એનો જીવ બચાવવો છે એટલે ક્યાંય પણ હોય તો કે એ પાછો આવી જાય. અમને એ ડર હતો કે આ રસિક પણ આત્મહત્યા ના કરી લે એટલે અમે આરોપીના સર્ચમાં સતત અમારી ટીમ લગાવી હતી. આ દરમિયાન એની બેનના ઘરની આસપાસ આવેલાં ખેતરો વાડીઓમાં તપાસ કરતા હતા ત્યારે એની બેનના ઘરથી લગભગ 8 કિલોમીટર દૂર રસિક એક ખેતરમાં બેઠો હતો અને અમે ત્યાંથી એની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા ‘.

પ્રેમિકાએ સાથે રહેવાની આનાકાની કરતા જ પ્રેમીએ આ નિર્ણય લઈ લીધો હતો
‘રસિકને અમે પોલીસ સ્ટેશને લાવીને પોલીસની ભાષામાં આકરી પૂછપરછ શરૂ કરી. જેમાં આરોપી રસિકે રીતુની હત્યા કેમ કરી એ અંગે કહ્યું હતું કે રીતુ હવે મારી સાથે રહેવા નહોતી માંગતી અને સંબંધ રાખવા નહોતી માંગતી એટલે જે રાત્રે હું એના ઘરે રોકાયો હતો અને મારી સાથે આવવાની આનાકાની કરતી હતી તે સમયે જ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે જો રીતુ મારી સાથે નહીં રહે તો હું એને મારી જ નાંખીશ અને તેની હત્યા કરવાના ઇરાદે જ એને ખોટું બોલીને મારા ઘરે લઈ ગયો અને રીતુની હત્યા કરી નાંખી’.

આ સમગ્ર કેસમાં આરોપીએ હત્યા કરવા માટે જે વાયરનો ઉપયોગ કર્યો હતો, તે વાયર તેમજ બાઇક અને કપડાં અને જે ખાટલામાં સગીરાને સુવડાવી હતી એની બેડશીટ, તકિયો તથા ચાદર આ બધું જપ્ત કર્યું હતું. અમે આ ઘટનામાં પ્રત્યક્ષદર્શી ન હોવાથી આ સમગ્ર કેસમાં અને સાંયોગિક પુરાવા ઊભા કરીશું.

‘છોકરાએ છોકરીને આપણે ત્યાં નહીં જવાનું કહેતા ઝઘડો થયો’
આ હત્યા મામલે ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રસિકનું ઘર મારા ઘરની બાજુમાં જ આવેલું છે, 23 તારીખે છોકરીનાં માતા-પિતાએ મારા ઘરે આવી કીધું કે મારી દીકરી જે છોકરા સાથે રહે છે એ એને વઢે છે બહુ અને મારી છોકરી કહે છે કે હવે હું એની સાથે નહીં જવાની. અમે એનાં માતા-પિતાને પૂછ્યું કે કેમ વઢે છે તો એનાં માતા-પિતાએ કીધું કે એ તો છોકરીને જ પૂછવું પડશે એટલે હું એના ઘરે ગયો. અમે એના ગામના સરપંચને બોલાવ્યો અને છોકરા અને છોકરીને બેસાડી વાત કરી હતી, અમે એવું કીધું કે તમારા જીવનની શરૂઆત છે. તમારે ઝઘડવાનું નહીં. છોકરીના ઘરની બાજુમાં ગણપતિ બેસાડ્યા હતા એટલે આ છોકરો છોકરીને એવું કહેતો કે આપણે ત્યાં નહીં જવાનું એટલે બંને વચ્ચે ખેંચતાણ થઈ હતી અને છોકરી કહે હું તારી સાથે નથી આવવાની તો છોકરાએ પણ કીધું કે હું પણ અહીં જ રહેવાનો. જો કે બંને વચ્ચે એવો કઈ ખાસ મોટો ઝઘડો હતો જ નહીં.‎ ગણપતિનો છેલ્લો દિવસ હોવાથી છોકરી એના ઘરે રહેવા ‎માંગતી હતી. પછી હું મારા ઘરે આવી ગયો હતો. 24 તારીખે આ બનાવ બન્યો હતો. મારી બાજુમાં જ આ છોકરાનું ઘર છે એટલે એની મમ્મી પણ મારા ઘરે દોડતી દોડતી આવીને કહેવા લાગી કે, જલદી આવો, જલદી આવો, એટલે હું એના ઘરે શું થયું હશે એમ કરીને ગયો હતો. હું ત્યાં ગયો ત્યારે છોકરી ખાટલમાં આડી પડી હતી અને મોઢા તથા નાકમાંથી લોહી નીકળ્યું હતું એટલે છોકરાની મમ્મીએ કહ્યું કે દવા પી લીધી હશે કે શું? એટલે મને પણ એવું લાગ્યું કે દવા પી ગઈ હશે કે શું? એની બાજુમાં જ આ છોકરાના કાકાના છોકરાની ગાડી હતી તે કાઢીને અમે એને દવાખાને લઈ ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments