કચ્છ જિલ્લામાં આવકથી વધારે સંપત્તિ ધરાવનારા કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાના ઉદ્યોગ વ્યવસાય પ્રતિષ્ઠા તથા અન્ય આવકના સ્ત્રોતો પર સર્ચ ઓપરેશન હાથ ધરી રાષ્ટ્રહિતમાં કાર્યવાહી કરવાના શીર્ષક હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ધીરજ રૂપાણી નામના વ્યક્તિએ એક લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાવામાં આવ્યો છે કે કચ્છ જિલ્લાનો દરિયાકિનારો ખનીજસભર તથા ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત જિલ્લો છે.
આ જિલ્લામાં હાલમાં સામાજિક, અસમાનતાની સાથે સાથે આર્થિક અસમાનતા સર્જાઈ રહી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા શિપિંગ, ખાણ, ખનીજ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ, જમીન કૌભાંડ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ મોટા પાયે તેમના પરિવારના સભ્યો તથા તેમના રાજકીય મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. લેખિત ફરિયાદ કરનાર ધીરજ રૂપાણીએ જણાવ્યું હતું કે, સાંસદ વિનોદ ચાવડા પાસે વર્ષ 2014 અને વર્ષ 2019માં નજીવી સંપત્તિ હતી, જેમાં એકાએક વધારો થયો છે.
આ તમામ પુરાવા તેમણે ED તેમજ વડાપ્રધાન અને ગૃહમંત્રીને આપ્યા છે. EDએ તેમને નિવેદન માટે પણ બોલાવ્યા છે. આ અંગે સાંસદ વિનોદ ચાવડા સાથે એક અખબારે વાતચીત કરી હતી. તેમણે આ અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું, ‘મારી વિરુદ્ધમાં કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ કાવતરું કોણ કરી રહ્યુ છે તે વાત પણ સૌ કોઈ જાણે છે. આ વિશે વધારે કહેવા જેવું નથી.’ સાંસદ વિનોદ ચાવડા સામે લેખિત ફરિયાદ કરનારા ધીરજ રૂપાણીએ પોતે અગાઉ કોંગ્રેસના કાર્યકર હોવાનું જણાવ્યું હતું. હાલ તેઓ સક્રિય રીતે કોંગ્રેસમાં ભૂમિકા નિભાવતા નથી પણ અવારનવાર કોંગ્રેસ માટે રિપોર્ટિંગ કરે છે. સમગ્ર મુદ્દા અંગે તેમણે કચ્છના અન્ય ધારાસભ્યો સાથે આ અંગે પણ વાતચીત કરી છે.
હાલમાં જ થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશથી ભાજપના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, જિલ્લા પ્રભારી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના પ્રદેશ કક્ષાના આગેવાનો પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના સ્થાનિક ભાજપના આગેવાનોની હાજરીમાં ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા અટલબિહારી વાજપેયી હૉલ ખાતે આજે સવારે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.